________________
શ્રી તારંગા તીર્થ
તારંગા એ ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલું જૈનોનું ઘણું જાણીતું તીર્થધામ છે. તે બારસો ફૂટ ઊંચા પર્વત પર આવેલું છે.
શ્વેતાંબર જૈન ગ્રંથોમાં એનાં પ્રાચીન નામો, તારઉર, તારાવરનગર, તારણગિરિ, તારણગઢ વગેરે આપવામાં આવ્યાં છે. બૌદ્ધ ધર્મીઓની માન્યતા પ્રમાણે, તેમની એક દેવીનું નામ તારા હતું તેના ઉપરથી આ પર્વતનું નામ તારંગા પડ્યું છે. ઇતિહાસ ગમે તે હોય, આજે તો તે સ્થળ જૈનોના એક મહત્ત્વના તીર્થધામ તરીકે જાણીતું છે.
હાલમાં જે મંદિર છે તે જૈનાચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજીની પ્રેરણાથી ગુર્જરી નરેશ શ્રી કુમારપાળ રાજાએ વિક્રમ સંવત ૧૨૨૧માં બંધાવ્યાનો ઉલ્લેખ મળી આવે છે. મંદિર એકસો પચ્ચીસ ફૂટ ઊંચું અને ત્રણ માળનું છે. વળી તે ભૂલભૂલામણીવાળું મંદિર છે. તેમાં મૂળનાયક જૈનોના બીજા તીર્થકર ભગવાન અજિતનાથની પ્રતિમા છે. એક સ્તવનમાં પણ ઉલ્લેખ છે. કે "તારંગે શ્રી અજિતનાથ, નેમ નમું ગિરનાર' પ્રતિમા ભવ્ય અને વિશાળ કાયાવાળી છે. તે એક જ શિલામાંથી કંડારાયેલી છે. પ્રતિમા પદ્માસનસ્થ અને શ્વેતવર્ણની છે.
બસો ત્રીસ ફૂટ લાંબા પહોળા ચોકની મધ્યભાગમાં આ મંદિર બાંધવામાં આવ્યું છે. તે એકસોને પચાસ ફૂટ લાંબુ અને ૧૦૦ ફૂટ પહોળું છે. મંદિરનો રંગમંડપ અને ચોક, ઘણાં વિશાળ છે. મંદિરનું સ્થાપત્ય અને તેમાં આવેલ શિલ્પ, પ્રાચીન અને આકર્ષક છે.
મંદિર, પ્રકૃતિથી વેરાયેલા સુંદર પર્વત પર આવેલું છે. વાતાવરણ શાંત હોઈને, આત્માને શાંતિ આપે છે. યાત્રીઓ માટે તે એક પવિત્ર યાત્રા સ્થળ છે જ્યારે પ્રવાસીઓ માટે તે આકર્ષક પર્યટનધામ બની રહે છે.
S ૪૯ NNNN