________________
વગેરે ગણાવી શકાય.
વનરાજની માતાને જૈનાચાર્ય શ્રી શીલ ગુણસૂરિએ આશ્રય આપ્યો હતો. વનરાજ તેની બાલ્યાવસ્થામાં શ્રી શીલગુણસૂરિના આશીર્વાદ અને માર્ગદર્શનથી શૂરવીર બન્યો હતો. આથી જ્યારે વનરાજે પાટણ વસાવ્યું ત્યારે કૃતજ્ઞતાની ભાવનાથી પ્રેરાઈ તેણે પાટણમાં વનરાજ વિહાર નામનું ચૈત્ય બંધાવ્યું હતું અને પોતાના વતન પંચાસર ગામમાંથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા મંગાવી. શ્રી શીલગુણસૂરિના શુભહસ્તે ઈ.સ.૮૦૨માં મહામહોત્સવ ઉજવીને મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી અને ત્યારથી અહીં આવેલ મુખ્ય મંદિર પંચાસરા પાર્શ્વનાથ નામે તીર્થધામ તરીકે પ્રસિદ્ધ થયું.
વનરાજ જૈનધર્મનો અનુયાયી હતો. પંચાસરા પાર્શ્વનાથના મંદિરમાં પેસતાં જમણે હાથે એક ગોખમાં તેનીઆદમકદની આરસપહાણ પત્થરમાં કોતરેલી પ્રતિમા પણ છે. વનરાજના સમયમાં તેનું મંત્રીમંડળ અને પ્રજાનો વિશાળ સમુદાય પણ જૈનધર્મનો અનુરાગી હતો. વનરાજના સમયમાં પાટણ માત્ર જૈન ધર્મનું જ કેન્દ્ર નહિ, પણ આખા ગુજરાતના જૈનધર્મના સામ્રાજ્યની રાજધાનીનું નગર બની ગયું હતું.
પાટણમાં સિદ્ધરાજ જયસિંહે બંધાવેલ સહસ્ત્રલિંગ તળાવ અને રાજા ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ બંધાવેલ રાણકીવાવ સ્થાપત્ય અને શિલ્પકળાના અજોડ નમૂનાઓ છે.
સિધ્ધરાજ જયસિંહે જ્યારે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું ત્યારે એની ચારે બાજુ પાકા ઓવારા બાંધવામાં આવ્યા હતા અને તળાવની પાળ ઉપર હાર દેરીઓ હતી. એ દરેક દેરીમાં એકએક શિવલિંગ હતું. આથી તેનું નામ સહસ્ત્રલિંગ તળાવ પાડવામાં આવ્યું હતું. પુરાતત્ત્વવેત્તાઓએ એ તળાવનો ઘણો ભાગ ખોદી કાઢ્યો છે અને હજી ખોદકામ ચાલુ છે. અહીં એક પુલ મળી આવ્યો છે, તેના ઉપરથી એવો ખ્યાલ આવે છે કે તળાવના મધ્યભાગમાં કોઈ મંદિર હશે અને ત્યાં જવા માટે આ પુલ બાંધવામાં આવ્યો હશે.