________________
આ વાવ પ્રજાને પાણીની સુવિધા થાય તેનો ખ્યાલ રાખી બંધાવવામાં આવી હતી. ભીમદેવ પહેલાએ ઈ.સ. ૧૦૨૨ થી ૧૦૬૬ સુધી રાજ્ય કર્યું હતું, એટલે આ વાવ એ ગાળા દરમ્યાન બાંધવામાં આવ હશે તેવું અનુમાન થઈ શકે. હજાર વર્ષ પછી પણ તેની ભવ્યતા વિશાળતા, તેનું સ્થાપત્ય અને એમાં કરવામાં આવેલું કોતરકામ અને શિલ્પકળા આજે પણ આકર્ષક અને આંખે ઊડીને વળગે તેવી બેનમૂન હાલતમાં છે.
ખોદકામ કરતાં વાવની બે તરફની પંદરથી વીસ મીટર જેટલી લાંબી ભીંતો મળી આવી છે. તેમાં વિવિધ પ્રકારનું કોતરકામ અને શિલ્પકળાની સજાવટ આજે પણ એટલાં જ મનમોહક અને આકર્ષક લાગે છે.
મૂળે, આ વાવ સાત મજલાવાળી હતી. આજે પાંચ મજલા મળી આવ્યા છે. વાવની ભીંતોના પ્રત્યેક માળે ઉત્તમ પ્રકારના શિલ્પવાળી, ગંધર્વો, કિન્નરો, અને નૃત્યાંગનાઓની મૂર્તિઓ કોતરવામાં આવી છે. આ ઉત્તમ પ્રકારના શિલ્પના નમૂનાઓ છે. તેમાં નારીનાં મિલન, પ્રેમીઓના વિરહ અને શૃંગારરસમાં તરબોળ નરનારીનાં દ્રશ્યો કોતરવામાં આવ્યાં છે. વળી, આંખે આંજણ આંજતી, હોઠને સળી વડે રંગતી, વિવિધ અલંકારો સજતી, સ્નાન કર્યા પછી વસ્ત્રપરિધાન કરતી, નવયૌવના સ્ત્રીઓની મૂર્તિઓ ઘણી આકર્ષક છે. શિલ્પકારોએ આ નવયૌવનાના મુખ ઉપર મુગ્ધતા, લજ્જા, વિસ્મયતા વગેરે ભાવોને, તેમના ટાંકણાઓ દ્વારા જીવંત રીતે ઉપસાવ્યા છે.
છેક ઉપરના મજલાના કઠોડે ઊભા રહીને આ વાવને નિહાળતાં અને તેમાં ડોકિયું કરતાં વાવના ઊંડાણનો ખ્યાલ આવે છે. દક્ષિણ ભારતનાં સ્થાપત્યોમાં જેમ તસુએ તસુ ભાગ ઉપર શિલ્પકળા પ્રદર્શિત કરવામાં આવે છે, તેમ આ વાવમાં અગિયારમી સદીના શિલ્પીઓએ વાવને શિલ્પકળાથી શણગારી છે. આવી ગહન ઊંડાણવાળી વાવમાં કરવામાં આવેલ શિલ્પકળા જોનારને આશ્ચર્યચકિત કરી મૂકે છે.
૪