________________
ખોદકામ કરતાં આજે તળાવનો ઘણો ભાગ મળી આવ્યો છે અને તેના ઉપરથી ખ્યાલ આવે છે કે તળાવ કેટલું વિશાળ હશે. તેમાં ઊતરવા માટે ચારે બાજુ પગથિયાં છે, તેનો ભાગ પણ મળી આવ્યો છે. આ પગથિયાં પણ સીડીમાં ઊતરીએ તેવાં પ્રકારનાં છે. પાટણ સરસ્વતી નદીને કિનારે વસેલું છે. આ નદીનાં પાણી, નહેર વાટે તળાવમાં ઠાલવવા માટે વ્યવસ્થા હશે તેવો ખ્યાલ ખોદકામ કરતાં, પાણીને આવવા માટેનાં ગરનાળાઓ મળી આવ્યાં છે તેના ઉપરથી આવે છે.
આ એક હજાર શિવાલયોવાળું સહસ્ત્રલિંગ સરોવર પાટણવાસીઓનું પૂજાસ્થાન, વિદ્યાસ્થાન અને આનંદ-પ્રમોદનું સ્થાન હતું. સરોવરના કિનારે સંખ્યાબંધ વિદ્યામઠો હતાં. જેમાં વિદ્યાર્થીઓ વિવિધ દર્શનશાસ્ત્રોનો અભ્યાસ કરતા હતા. ત્યારે પાટણ વિદ્યાનું કેન્દ્રસ્થાન પણ હતું.
તળાવની પાસે રાણીનો મહેલ, જસમા ઓડણનું મંદિર અને રાણકીવાવ આવેલાં છે. વર્ષો પહેલાં તો રાણકીવાવ ઉપર એક ટેકરો હતો અને તે એક ખાડામાં દટાઈ ગઈ હતી. થોડા વર્ષો પહેલાં ખોદકામ કરતાં આ રાણકીવાવ અસલ હાલતમાં મળી આવી છે. જો કે દટાઈ જવાને કારણે તેનો ઘણો ભાગ તૂટી ગયો છે અને અંદરનું થોડું કોતરકામ નષ્ટ થઈ ગયું છે, છતાં આજે વાવના અંદરના પાંચ મજલા, ઝરૂખાઓ, વાવમાં ઊતરવાનાં વિશાળ પગથિયાં, તેમાં ચારે બાજુ કરવામાં આવેલું બેનમૂન કોતરકામ વગેરે અસલ હાલતમાં મળી આવ્યાં છે. તેની સ્થાપત્યકલા અને અંદરની શિલ્પકળા ઉત્કૃષ્ટ પ્રકારની છે. તેની કોતરણી અને શિલ્પ મોઢેરાના સૂર્યમંદિર, સિદ્ધપુર પાટણનો રૂદ્રમાળ અને વડનગરના તોરણની કોતરણી અને શિલ્પ સાથે સરખાવી શકાય તેવા ઉત્કૃષ્ટ પ્રકારનાં છે. તે નયનરમ્ય અને બેનમૂન છે અને તેની શૈલી બારમી સદીની સ્થાપત્ય અને શિલ્પનો ખ્યાલ આપે છે.
Av $3 Mill