________________
આ તીર્થનો ત્યારબાદ વારંવાર જીર્ણોદ્ધાર થયાના ઉલ્લેખો મળી આવે
બાવન જિનાલય મંદિરમાં દરેક દેવકુલિકાઓ શિખરબંધી છે અને આથી મંદિર ભવ્ય અને મનોહર લાગે છે. મૂળનાયક પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ, પદ્માસનસ્થ અને શ્વેતવર્ણી છે. પ્રતિમા સુંદર અને આકર્ષક છે. બાવન જિનાલય મંદિરની દેવકુલિકાઓ ઉપરની ઘંટડીઓનો રણકાર ઘણો મધુર અને સંગીતના સૂરો જેવો કર્ણપ્રિય લાગે છે.
મંદિરની પાસે પ્રાચીન મંદિરના અવશેષો પડેલા છે. મંદિરની બાજુમાં રામજી મંદિર અને નિલેષ્ઠ મહાદેવનાં મંદિરો આવેલાં છે.
શંખેશ્વર તીર્થસ્થાન, હારીજ સ્ટેશનથી પાંત્રીસ કિલોમીટર અને પંચાસર સ્ટેશનથી આઠ કિલોમીટરના અંતરે આવેલું છે. આજે તો ગુજરાતના ઘણાં સ્થળોથી બસ અને મોટર દ્વારા પણ આ તીર્થસ્થાન સંકળાયેલું છે. પચાસ વર્ષ પહેલાં તો યાત્રાળુઓ સંઘ કાઢી હારીજથી ગાડા મારફતે યાત્રાએ જતા હતા ત્યારે યાત્રાનું મહત્ત્વ પણ ઘણું હતું અને યાત્રા પણ રોમાંચક લાગતી હતી.
શંખેશ્વરની યાત્રાધામ તરીકેની મહત્તાને અનુરૂપ અહીં લગભગ બધા જ પ્રકારની સગવડતાવાળી છ ધર્મશાળાઓ છે.
હારીજ અને સમીના રસ્તેથી આવતાં પ્રથમ એકસો આઠ પાર્શ્વનાથ ભગવાનની દેવકુલિકાઓવાળું હમણાં થોડા સમય પહેલાં બનાવવામાં આવેલું મંદિર આવે છે. મંદિરમાં હજી કામ ચાલુ છે. મૂળ મંદિરની પ્રતિષ્ઠા બે એક વર્ષ પહેલાં કરવામાં આવી હતી. મંદિર વિશાળ અને ભવ્ય છે.
મંદિરના ગર્ભગૃહમાં ભગવાન પાર્શ્વનાથની શ્વેતવર્ણની પદ્માસનસ્થ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. મૂળ મંદિર અને તેને ફરતી ૧૦૮ દેરીઓ આરસ પહાણના પત્થરની બનાવેલી છે. પણ તેનાં શિખરો રેતિયા પીળા પત્થરમાં બનાવેલાં છે.