________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થ
જૈનોની માન્યતા પ્રમાણે જે કેટલાંક તીર્થસ્થળો ચમત્કારિક છે, તેમાંનું એક શંખેશ્વર છે. આ ચમત્કાર, તીર્થંકરો દ્વારા નથી થતા. તીર્થંકરો નિર્વાણગતિને પામેલા હોઈને, ચમત્કાર કરે નહિ. તે ચમત્કારો તીર્થંકરોના ભક્તો દ્વારા થતા હોય છે. જૈન ધર્માવલંબીઓમાં ગુજરાતમાં, આ તીર્થનું સ્થાન પાલિતાણાના શત્રુંજય તીર્થ પછી બીજા સ્થાને આવે છે.
શખેશ્વરનું મૂળ નામ શંખપુર હતું. ભગવાન શ્રીકૃષ્ણે જરાસંઘને હરાવ્યા પછી તેમનો વિજ્યશંખ અહીંથી ફૂંક્યો હતો, તેથી તેનું નામ શંખપુર પડ્યું તેવી માન્યતા પ્રચલિત છે. પ્રાચીન ગ્રંથોમાં પણ એનો શંખપુર નામે ઉલ્લેખ છે. એક દંતકથા એવી પણ છે કે જરાસંઘ અને શ્રીકૃષ્ણની વચ્ચે થયેલા યુદ્ધના સમયે જરાસંઘે શ્રીકૃષ્ણની સેના પર જરા ફેંકી ત્યારે અહીંની પ્રતિમાજીનું ન્હવણજળ સેના પર છાંટી જરાનો ઉપદ્રવ શાંત કરવામાં આવ્યો હતો. એક બીજી એવી કિંવદંતી છે કે ભગવાન શ્રીકૃષ્ણે જરાસંઘને હરાવ્યા પછી અહીં શંખ ફૂંક્યો હતો અને શંખ ફૂંકવાથી પાતાળમાંથી પ્રતિમા મળી આવી હતી. આથી, આ યાત્રાનું સ્થળ શંખેશ્વર તરીકે ઓળખાય છે. આના આધારે કોઇ જૈન મુનિએ, એક પ્રભાતિયું લખ્યું છે. જેમાં નીચે મુજબ ચાર પંક્તિઓ આવે છે ઃ
"ભીડ પડી જાદવા, જોર લાગી જરા તત્ક્ષણે ત્રિકમે તુજ સંભાર્યો;
પ્રગટ પાતાળથી પલકમાં તેં પ્રભુ ભક્તજન તેહનો ભય નિવાર્યો.
એ લખવું અયોગ્ય નહિ ગણાય કે જૈનોના બાવીસમા તીર્થંકર નેમિનાથ ભગવાન શ્રીકૃષ્ણના નજદીકના પિતરાઈ ભાઈ હતા. જ્યારે તીર્થંકર પાર્શ્વનાથ ત્રેવીસમા તીર્થંકર હતા. તો ભગવાન શ્રીકૃષ્ણનો તીર્થંકર પાર્શ્વનાથની મૂર્તિ સાથે કઈ રીતે સંબંધ હોઈ શકે ? આનો જવાબ એમ હોઈ
૪૫