________________
પણ છે. કાળક્રમે એ સરોવર નષ્ટ થઈ ગયું. આજે તો તે સ્થળે એક ખુલ્લી જગા જ જોઈ શકાય છે.
અશોકના શિલાલેખથી થોડે દૂર આગળ જતાં દામોદરલાલજીનું મદિર અને પવિત્ર દામોદર કુંડ આવે છે. એમાં યાત્રિકો સ્નાન કરે છે અને સ્વજનોનાં ફૂલ (અસ્થિ) તેમાં પધરાવે છે. આ કુંડમાં નરસિંહ મહેતા સ્નાન કરવા આવતા. આથી તેના ઉપર એક કાવ્ય પણ છે. “ગિરિ તળેટીને કુંડ દામોદર, જ્યાં મહેતાજી નાહવા જાય”
દામોદરલાલજીના મંદિરની સામે બલરામજીની પત્ની, રેવતીના નામ ઉ૫રથી કહેવાતો રેવતીકુંડ આવેલો છે. પહાડની તળેટીમાં એ કુંડ આવેલો છે. એને રેવતાચલ કહે છે. કુંડની નજદીકમાં મુચુકુંદ ગુફા આવેલી છે.
દામોદર કુંડથી લગભગ બે કિલોમીટરના અંતરે સુવર્ણ રેખા નદીના તટ પર, ભવનાથ મહાદેવનું મંદિર અને મૃગીકુંડ આવેલાં છે. આ ભવનાથ મહાદેવના સાન્નિધ્યમાં જ, મહાશિવરાત્રિએ, ભવ્ય મેળો ભરાય છે. એવી માન્યતા છે કે તે દિવસે પાંડવ-કૌરવના ગુરૂ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા - જે સાત અમર આત્માઓ પૈકીના એક છે તે મૃગીકુંડમાં સ્નાન કરવા આવે છે, અને પછી શંકર ભગવાનનાં દર્શન કરે છે.
ભવનાથનો શિવરાત્રિનો મેળો, મુખ્યત્વે સંસારીઓ કરતાં સાધુઓનો મેળો છે. દેશભરમાંથી વિવિધ સંપ્રદાયના સાધુસંતો અને મહંતો, પોતપોતાના રસાલા, ધર્મધજા અને ધર્મદંડ સાથે, અહીં આવે છે. આમ, આ મેળો સાધુઓની એકતાનું પ્રતીક બની જાય છે.
શિવરાત્રિની રાત્રે જટાધારી, ભભૂતધારી, નાગા દિગંબર સાધુઓનું એક ભવ્ય સરઘસ નીકળે છે. ભાલા, તલવાર, ત્રિશુળ, સહિત પટ્ટાબાજીના ખેલ કરતું અને ડમરું, ઝાલર અને શંખના ઘોર અવાજ કરતું આ સાધુઓનું સરઘસ, બરાબર રાતના બાર વાગે ભવનાથ મંદિરમાં પ્રવેશ કરે છે. અને પછી હરહર મહાદેવના ગગનભેદી નાદ સાથે