________________
આ ટ્રક ઉપર આવેલાં મુખ્ય મંદિરો ઉપરાંત સોળ મોટા મંદિરો અને એકસોને ત્રેવીસ દેરીઓ છે. અહીં ૨૭૨૨ આરસની પ્રતિમાઓ અને ૧૪૩ ધાતુની પ્રતિમાઓ છે તેમજ ચોવીસ તીર્થકરોના કુલ્લે મળી ૧૪૫ર ગણધરોનાં પગલાંની જોડ છે. આ ટૂક બાંધવાનો એક રોમાંચક ઈતિહાસ છે. મોતીશા શેઠને એક મોટી ટ્રક બંધાવવી હતી પણ તેના માટે જગા ન હતી. આથી તેમણે કરોડોના ખર્ચે, આજની ગણતરીએ અબજોના ખર્ચે કુનાસાર” નામની ખીણ પુરાવીને, તેના પર ટૂકની રચના કરી. એમ કહેવાય છે કે આ ટૂકની રચના પુરી કરતાં, સાત વર્ષ લાગ્યાં હતાં. તેમાં અગિયારસો સલાટો અને ત્રણ હજાર મજૂરોએ રાત દિવસ કામ કર્યું હતું.
પ્રતિષ્ઠા વખતે મોતીશા હયાત ન હતા. પણ તેમના પુત્ર ખીમચંદભાઈ સવા લાખ માણસોનો સંઘ લઈ પાલિતાણા આવ્યા હતા. અઢાર દિવસ સુધી પાલિતાણાની સમસ્ત વસતી સંઘમાં જમી હતી. જમણવાર પાછળ ત્યારે રોજનો ચાલીસ હજારનો ખર્ચ થતો હતો.
અહીં મૂળનાયક શ્રી આદિશ્વર ભગવાનની પ્રતિમાનાં દર્શન કરતાં હોય તેવી શેઠ મોતીશા, તેમનાં પત્ની અને માતુશ્રીની મૂર્તિઓ છે.
મોતીશા શેઠની ટ્રકમાંથી બહાર નીકળ્યા પછી શ્રી શત્રુંજયના અધિષ્ઠાતા દેવાધિદેવ શ્રી આદિનાથ ભગવાન જેને યાત્રાળુઓ અને ભક્તો આદિનાથદાદા કહે છે અને જેમાં તે બિરાજે છે, તે ટૂંકમાં આવીએ છીએ.
આ દાદાની ટૂકના બે ભાગ છે. તેના પ્રથમ ભાગને "વિમલ વસહી” કહે છે. અને બીજા ભાગને હાથીપોળ કહે છે.
વિમલ વસહીમાં પેસતાં જ ડાબી બાજુએ શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર આવે છે. તેની બાજુમાં નીચેના ભાગમાં શ્રી શત્રુંજય તીર્થની અધિષ્ઠાત્રી દેવી ચકેશ્વરી દેવીની દેરી છે.
બહારના ભાગમાં પદ્માવતી, નિર્વાણી, સરસ્વતી અને લક્ષ્મીદેવીની મૂર્તિઓ છે. બાજુની દેરીમાં વાઘેશ્વરી અને પદ્માવતી દેવીની મૂર્તિઓ છે.