________________
ટૂકમાં નંદીશ્વરદ્વીપમાં બાવન જીનાલય મંદિર બાંધવામાં આવ્યું છે. આથી આ ટ્રક નંદીશ્વરદ્વીપની યા ઉજમફોઈની ટૂક તરીકે ઓળખાય છે.
છઠ્ઠી ટૂકને હેમ વસહી ટૂક કહે છે આ ટૂક ઉપર અમદાવાદના નગરશેઠ શાંતિદાસ શેઠના પ્રપૌત્ર શ્રી હેમાભાઈ એ વિક્રમ સંવત ૧૮૮૬માં મંદિર બંધાવ્યું હતું. મંદિરમાં મૂળ નાયક અજીતનાથ ભગવાન છે. આ ટ્રકના મંદિરોમાં ૩૨૦ આરસની અને ૮ ધાતુની પ્રતિમાઓ છે.
સાતમી ટૂકને પ્રેમ વસહી ટૂક કહે છે. આ ટૂક ઉપર વિક્રમ સંવત ૧૮૪૩માં અમદાવાદના શ્રીમંત વેપારી શ્રી પ્રેમચંદ લવજી દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અહીં મૂળનાયક શ્રી આદિશ્વર ભગવાનની પ્રતિમા છે. આ ટ્રકની પાસે શ્રી આદિશ્વર ભગવાનની એક ભવ્ય પ્રતિમા છે. તેને અદ્ભુત દાદા કે અદબદ દાદા તરીકે સંબોધવામાં આવે છે. આ મૂર્તિ અઢાર ૧૮ ફૂટ ઊંચી અને ૧૪ ૧/૨ ફૂટ પહોળી છે. તેને એક જ પહાડમાંથી કોતરેલી છે. આ મૂર્તિની પૂજા વર્ષમાં એકવાર થાય છે, ત્યારે પૂજા માટે નિસરણી મૂકવી પડે છે. આ ટ્રકની પાછળ એક રાયણનું વૃક્ષ છે, એમ કહેવાય છે કે આદિશ્વર ભગવાને અહીં તપશ્ચર્યા કરી હતી.
આઠમી ટૂકને બાલાવસહી ટૂક કહે છે. આ ટૂંક ઉપર વિક્રમ સંવત ૧૮૯૩માં શ્રી દીપચંદ કલ્યાણજી જે બાલાભાઈના હુલામણા નામે જાણીતા હતા, તેમના દ્વારા મંદિર બંધાવવામાં આવ્યું હતું. મંદિરમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા છે. સાત મુખ્ય મંદિરો અને એકાવન દેરીઓ છે મુખ્ય મંદિર ઉપરાંત બીજ પાંચ મંદિરો છે. તેમાં વાસુપૂજ્ય સ્વામીનું મંદિર કપડવંજના નગર શેઠ મીઠાભાઈ ગુલાલચંદે બંધાવ્યું હતું. અહીં ૧૪૫ આરસની અને ૧૩૨ ધાતુની પ્રતિમાઓ છે.
મોતીશાની ટૂક : આ ટૂક ઉપર શેઠ મોતીશાહે મંદિરનું નિર્માણ કર્યું હતું. તેમાં, શ્રી મૂળનાયક આદીશ્વર ભગવાન છે. તેની પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૧૮૯૩માં શેઠ મોતીશાના પુત્ર શ્રી ખીમચંદ શેઠ દ્વારા કરવામાં આવી હતી. શ્રી શત્રુંજય પર બંધાયેલી આ સૌથી મોટી ટૂક છે.