________________
જૈન આચાર મીમાંસા અને આપણે તે કેવી રીતે પ્રગટ કરી શકીએ. એવો વિચાર આવતો થઈ જાય તો પ્રત્યેક દર્શન વીતરાગના માર્ગ ઉપર નિત્ય એક ડગલું આગળ ને આગળ આપણને લઈ જાય છે.
દર્શનાચારમાં બીજી પણ એક મહત્ત્વની વાત રહેલી છે. જેનું ચિંતન કરી આપણે આચરણમાં ઉતારવા જેવી છે. દર્શન એટલે જોવું. આપણને ખરેખર તો જોતાં આવડતું નથી. જોવાની પણ એક કળા છે તો જોવાનું એક વિજ્ઞાન પણ છે. આપણી દષ્ટિ જે વસ્તુ ઉપર પડે છે તેને આપણે આપણા રાગ-દ્વેષથી કુરૂપ કરી નાખીએ છીએ. આપણે આપણી વાસનાથી એટલાં ભરાયેલા રહીએ છીએ કે તેના ધુમાડામાં આપણને વસ્તુનું યર્થાથ દર્શન થઈ શકતું નથી. એક વખત આપણને રાગ-દ્વેષ વિના જોતાં આવડી જાય તો સંસારનાં સર્વ તાળાઓ ખોલવાની ચાવી આપણને મળી જાય. ત્યાર પછી સંસારની કોઈ વાતની કે વસ્તુની તાકાત નથી કે તે આપણને દુઃખી કરી શકે.
જ્ઞાનીઓ કહે છે કે જે આંખથી મળે છે તેની અસર સૌથી વધારે થાય છે કારણ કે સત્ય સાથેના સાક્ષાત્કારનો તે સીધો અને ટૂંકામાં ટૂંકો માર્ગ છે. દર્શન કાલાતીત છે. દર્શન સર્વકાળમાં સરખું જ હોય છે. પણ જ્ઞાન યુગે યુગે અલગ દેખાય, કારણ કે તેની ભાષા યુગે - યુગે બદલાતી રહે છે. ભગવાન ઋષભદેવે - પ્રથમ તીર્થકરે જે જોયું તે જ ચરમ તીર્થકર મહાવીરે જોયું. બંનેના દર્શનમાં ભેદ નહીં પણ બંનેની અભિવ્યક્તિ-કહેવાની ભાષા, અને રીતરસમમાં ઘણો ફેર પડી ગયો, કારણ કે યુગ બદલાઈ ગયો. આ છે દર્શનાચારનું મહત્ત્વ.