________________
૧૧
પંચાચાર-સાધનાનું પ્રથમ ચરણ સજાગ રહીને પ્રવૃત્તિશીલ બનવું જોઈએ. દર્શનમાં દષ્ટિ છે, જ્ઞાનમાં ખાતરી છે – નિર્ણય છે. દર્શન અને જ્ઞાન બંને એકબીજાનાં પૂરક છે. બંને સમ્યફ હોય ત્યારે પુષ્ટ બને. એકલી શ્રદ્ધા કે એકલું જ્ઞાન જીવનો અભ્યદય કરવા માટે સમર્થ નથી. એકલા જ્ઞાન કે દર્શનથી યુકત જીવ કદાચ કોઈને આગળ લઈ જાય પણ પોતે તો અટવાઈ પડે. જ્ઞાન વિનાનો આચાર કે સમજ વિનાની પ્રવૃત્તિ એ સાગરમાં તરતી-અથડાતી દિશા ભૂલેલ નૌકા જેવી છે – જે કિનારે ન લઈ જાય.
જીવનમાં આપણે સેંકડો તો શું પણ હજારો વસ્તુઓ ભેગી કરીએ છીએ, જેની આપણને ખરેખર જરૂર નહોતી પણ આપણે દેખા-દેખી લઈ આવ્યા અને ભેગી કરી નાખી. ધન-દોલતપ્રતિષ્ઠા-યશ વગેરેની શું આપણને જરૂર હતી? અને હતી તો કેટલી જરૂર હતી? સ્પર્શ, શબ્દ, રૂપ, રસ, ગંધ ઇત્યાદિ ઇન્દ્રિયોની જાળ છે જેમાં જાતે જ ફસાઈએ છીએ અને વિચિત્રતા તો એ છે કે આપણે ફસાયા છીએ તેવો ખ્યાલ પણ આપણને નથી આવતો. આ બધું આપણને અટકાવી દે છે.
આ બધાની પાછળની દોડમાં આપણને ગતિ લાગે છે, પણ તે કંઈ પ્રગતિ નથી હોતી. મનુષ્યનો ભવ પામીને કંઈ સાધી ન લઈએ તો જીવન વેડફી નાખ્યું ગણાય. મોહના માર્યા આપણે જીવનભર અહીં તહીં ભટકીએ છીએ. આપણે જેને જિંદગી કહીએ છીએ તે વાસ્તવિકતામાં એક પ્યાસથી વધારે કંઈ નથી હોતી. આ પ્યાસ કયારેય બુઝાતી નથી. અને આપણે તરસ્યા ને તરસ્યા જ રહી જઈએ છીએ. જ્ઞાનાચાર જિંદગીની પ્યાસને છિપાવનારો છે.