________________
પંચાચાર-સાધનાનું પ્રથમ ચરણ
આવા જ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થાય તે માટેનાં વિધિ-વિધાનનું શાસ્ત્રોમાં વિગતવાર વર્ણન છે. એમાં કયે સમયે ભણાય, કયે સમયે ન ભણાય, કોની પાસેથી ભણાય, જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે કેવા પ્રકારનું બહુમાન હોવું જોઈએ અને તેમની પ્રત્યેનો વ્યવહાર કેવો હોવો જોઈએ. ઇત્યાદિ ઝીણી ઝીણી બાબતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્ઞાનાચાર એ સાધના છે તેથી સંયમ કે વ્રત રાખીને જ્ઞાન મેળવવાની ભલામણ થાય છે.
જ્ઞાનાચારમાં સાચવવાનું એ છે કે કોરા જ્ઞાનની કોડીનીય કિંમત નથી. જ્ઞાન સમ્યક્ હોવું જોઈએ, તો જ તે જ્ઞાન. માહિતીનાં પોટલાં ઊંચકીને માણસ ફર્યા કરે તેથી તેને જ્ઞાની ન કહેવાય. જ્ઞાન માટે આગમોમાં કહેવાયું છે કે જ્ઞાનસ્ય ફલં વિરતિ. જે જ્ઞાન વિરતિમાં ન પરિણમે, જે જ્ઞાન પ્રાપ્તિ પછી ચારિત્ર ન આવે, આચરણ ન આવે તે જ્ઞાન પણ નિરર્થક છે. જ્ઞાનાચાર સત્યની પ્રાપ્તિ માટેનો આચાર છે અને સત્યની પ્રાપ્તિ માટે તટસ્થતા ખૂબ મહત્ત્વની છે અનિવાર્ય છે. જ્ઞાનનો પિપાસુ તટસ્થ રહીને સાંભળે, વાંચે–વિચારે અને માહિતીનું અર્થઘટન કરે તો જ તેને સાચા અર્થમાં જ્ઞાનપ્રાપ્તિ થાય. જે જ્ઞાનમાં સંવેદન ભળે છે; પ્રિયતા કે અપ્રિયતા જોડાય છે તે પછી જ્ઞાનાચાર બનતો નથી. જ્ઞાનાચારની વાત કરતાં આપણે એ વાત પણ સમજી લેવી જોઈએ કે જૈન તત્ત્વધારા પ્રમાણે જ્ઞાન બહાર નથી. આત્મા પોતે જ જ્ઞાન સ્વરૂપ છે પણ જ્ઞાનની આડે જે આવરણો પડેલાં છે તેનાથી આત્મા અજ્ઞાનમાં કે અલ્પ જ્ઞાનમાં કુટાય છે. આખો જ્ઞાનાચાર આત્મામાં પડેલા જ્ઞાનનો ઉઘાડ કરવામાં આવી
-
૧૩