________________
૧૬૨
જૈન આચાર મીમાંસા પરિષહો વચ્ચે, મુશ્કેલીઓ વચ્ચે પણ તેઓ નિત્ય આગળ વધતા જ હોય. તેઓ આત્મ-સાધનામાં મગ્ન હોય, વિષયવાસનાથી ઉપર ઊઠેલા હોય, આગમોનું પરિશીલન કરનારા હોય, તેમનું જીવન કમળ જેવું વિમલ-સ્વચ્છ હોય. સાધુ મૂર્તિમંત પુરુષાર્થનું પ્રતીક છે. સાધુનું શરણ એટલે પુરુષાર્થ પ્રતિ સમર્પણ. તે પ્રારબ્ધને આગળ કરીને બેસી ન રહે. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં સાધુ તો આગળ વધતા જ રહે.
છેલ્લું શરણ છે ધર્મનું. ધર્મને આપણે બહુ જ સંકુચિત અર્થમાં સમજ્યા છીએ. ધર્મ એટલે આ કે તે સંપ્રદાય નહીં. ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ – મૂળ સ્વભાવ. પાણી શીતળ છે અને અગ્નિ ગરમ છે તે તેનો સ્વભાવ છે. જગતની પ્રત્યેક વસ્તુ પોતાના સ્વભાવમાં વર્તે છે. કેવળ સંસારી જીવો જ વિભાવોને વશ થઈને રાચે છે અને સંસારમાં કુટાયા કરે છે. જીવમાત્રનો મૂળ સ્વભાવ અનંત આનંદ છે અને તેમાં તેની શાશ્વત સ્થિતિ તેની સંભાવના છે. વનરાજ સિંહ સમો જીવ ઘેટાંઓના ટોળામાં મળીને વિભાવોને વશવર્તી થઈને ઘેટા જેવું અસહાય જીવન અનંત કાળથી જીવે છે કારણ કે જીવને પોતાના સ્વભાવની વિસ્મૃતિ થઈ ગઈ છે. કેવળી ભગવંતો પોતાની સિંહગર્જનાથી જીવને પોતાના સ્વભાવમાં આવી જવા લલકારે છે. આ છે કેવલી પન્નત ધમ્મ શરણે પવામિનો સૂચિતાર્થ વિશ્વ આખું સ્વભાવમાં વર્તે છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો, તારાઓ પોતાના સ્વભાવમાં આરૂઢ થઈને ઊભાં છે. બ્રહ્માંડના નિયમોમાં તેની ગતિ-વિધિમાં ફેરફાર કરી શકવા કોઈ સમર્થ નથી.