________________
કાયોત્સર્ગ - વૈજ્ઞાનિક અભિગમ
૧૩૫ આમ શરીર શિથિલ થઈ ગયા પછી આપણે શરીરના અનૈચ્છિક રીતે ચાલતા સ્નાયુઓ અને તંત્રને પણ શિથિલ અને શાંત રહેવાની સૂચના આપવાની રહે છે. છેવટે એ પણ આપણાં સૂચનો વત્તેઓછે અંશે સ્વીકારતું થઈ જાય છે. ત્યાર પછી શ્વાસને શાંત કરવો રહ્યો. શ્વાસ શાંત એટલે દીર્ધ અને ઊંડો. સારો કાયોત્સર્ગ સધાય તો શરીર મિનિટમાં ચારથી પાંચ જેટલા જ શ્વાસ લઈને ચલાવી લેશે. શ્વાસ શાંત થતાં મન શાંત થવા લાગે છે. વિચારોનાં તોફાનો શમવા લાગે છે. શરૂમાં આપણે જાગૃત મન, પછીથી અવચેતન મન, ત્યાર પછી અચેતન મન પણ શાંત થવા લાગે છે. આમ શરીર, વાણી, મન અને શ્વાસ બધું શાંત થવા લાગે છે અને મૌનની ઘેરી અનુભૂતિ થવા લાગે છે. આપણને કોઈ અજબની શાંતિ અને સ્વસ્થતા લાગે છે. અહીં કાયોત્સર્ગનો પ્રથમ તબક્કો પૂર્ણ થાય છે.
આ અવસ્થામાં ઘણા લગભગ નિદ્રાધીન થઈ જાય છે કે તંદ્રામાં ઊતરી પડે છે. આ અવસ્થાને સંપૂર્ણ શબાસનની અવસ્થા કહી શકાય પણ કાયોત્સર્ગ તો એનાથી આગળ ચાલે છે. તન અને મન શાંત થઈ ગયા પછી આપણે જાગૃત રહેવાનું છે. ચૈતન્ય જાગવાનું છે. ચૈતન્ય ઉપર નિદ્રા કે તંદ્રાનાં પડળ ફરી વળે તો કાયોત્સર્ગના મહાલાભથી આપણે વંચિત રહી જઈએ. જોકે ઘણા લોકો અહીં સુધી જ પહોંચે છે તેથી તેમને મન કાયોત્સર્ગ અને શબાસન એકનાં એક જ રહે છે. જેમ શાંત સ્થિર જળમાં આપણે જળાશયના તળિયાને જોઈ શકીએ છીએ તેમ બધું શાંત અને સ્થિર થઈ ગયા પછી આપણે આપણી છેક અંદર જોઈ શકીએ છીએ