________________
૧૫૬
જૈન આચાર મીમાંસા
છે. મૈથુન કોઈને શિખવાડવું પડતું નથી. બાળક, યુવાન કે વૃદ્ધ સૌ કોઈ મનગમતી વસ્તુઓનો પરિગ્રહ કરે છે. નાનું બાળક પણ ઝટ દઈને રમકડાને પકડી લે છે અને છોડતું નથી. આમ આ બધી સંજ્ઞાઓમાં ગ્રહણ કરવાનો, મેળવવાનો અને તેમ કરીને રાજી થવાનો ભાવ રહેલો છે. જ્યાં સુધી જીવ પુદ્ગલ - પદાર્થના પરમાણુ સાથે તાદાત્મ્ય નથી અનુભવતો ત્યાં સુધી તેને આનંદ થતો નથી; બાકી વાસ્તવિકતામાં જડ પદાર્થની શું તાકાત છે કે તે ચૈતન્યને સુખ કે દુઃખ આપી શકે? દેહ પણ જીવનો પરિગ્રહ છે અને તેની આસપાસ બધી જંજાળ ઊભી થયેલી છે.
કાયોત્સર્ગની મહત્તા વ્યુત્સર્ગ ચેતના જગાવવામાં રહેલી છે. કાયોત્સર્ગ પોતાના પ્રથમ જ ચરણમાં મન-વચન-કાયા બધાને સ્થિર કરી, શાંત પ્રશાંત કરી છોડવાનો અભિગમ અપનાવે છે. જીવ જન્મજન્માંતરથી ગ્રહણ કરતો આવ્યો છે, લેતો આવ્યો છે અને જેનાથી તે ક્યારેય ધરાયો નથી પણ ઊલટાનો તે તેનાથી અસ્વસ્થ જ બન્યો છે. જ્યારે કાયોત્સર્ગમાં કાયાને છોડવાની વાત છે. ત્યાં પછી આહાર-પાણી-વસ્ત્ર એવાં બધાંની તો વાત જ કર્યાં રહી? ત્યાં તો પછી સગાંસંબંધી મિત્રો વગેરેને પણ સ્થાન નથી રહેતું. આ બધાં દેહને વીંટળાઈને રહ્યાં છે. કરોળિયાના જાળાનાં વચ્ચે જેમ કરોળિયો પોતે રહેલો હોય છે તેમ દેહ પણ પોતાને કેન્દ્રમાં રાખી આ બધી જંજાળ ઊભી કરે છે. પણ જેવી છોડવાની ચેતના જાગી, વ્યુત્સર્ગ ચેતનાનું જાગરણ થયું પછી જગતની કોઈ વાત આપણને રંજાડી શકવા સમર્થ રહેતી નથી. આરાધનાની ચરમ સીમા સમાધિમૃત્યુમાં રહેલી છે. જ્યારે મન