________________
૧૫૪
જૈન આચાર મીમાંસા આવેગોથી ખળભળતા હોઈએ છીએ. ક્યાંક ગુસ્સામાં તો ક્યાંક કોઈનું પડાવી લેવાની વાતમાં ક્યાંક અભિમાનથી પીડાતા હોઈએ છીએ તો ક્યાંક આપણે માનેલા ઈષ્ટની પ્રાપ્તિ માટે માયાની - કંપટની જાળ બિછાવતા હોઈએ છીએ. ક્યાંક વેરની આગ સળગતી હોય છે તો ક્યાંક કોઈને મારવાના તેનું નિકંદન કાઢવાના વિચારો ચાલતા હોય છે. ઘણી વાર તો કામ અને વાસનાઓના તરંગોને ઝોલે ચડીને આપણે અથડાતા-કૂટાતા હોઈએ છીએ. આ બધા આવેગોનાં મોજાં આમ સતત ઊછળતાં જ હોય ત્યાં મૂળ સમસ્યા જોવાય જ કયાંથી અને સમજાય છે કેવી રીતે? પછી તેના સમાધાનની વાત દૂર રહી જાય એમાં કંઈ આશ્ચર્ય નથી.
કાયોત્સર્ગમાં મન, વચન અને કાયાના યોગો અલ્પ થઈ જતાં બધું શાંત થઈ જાય છે. શરીરની સક્રિયતા મટી જતાં, મનના તરંગો શમી જતાં આપણે આપણા પોતાના તળમાં પડેલી વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકીએ છીએ - તેનું સ્વરૂપ આપણે સમજી શકીએ છીએ. એક વખત સમસ્યા બરોબર સમજાઈ જાય પછી તેનું સમાધાન દૂર ન રહે. વૃત્તિઓનાં નિરીક્ષણ અને તેના પરિવર્તન માટે કાયોત્સર્ગ ખૂબ આવશ્યક છે. આપણા પુરુષાર્થની દિશા નક્કી કરવા માટે અને જીવનનું તટસ્થ મૂલ્યાંકન કરવા માટે કાયોત્સર્ગ ખૂબ સહાયભૂત નીવડે છે. સંપૂર્ણ કાયોત્સર્ગમાં ઊતરતાં પહેલાંની આ ભૂમિકા છે અને તે માટે ખાસ પ્રયાસ પણ કરવો પડતો નથી. કાયોત્સર્ગ સધાતાં આપણે અવચેતન તો શું પણ અચેતન મનનાં ઊંડાણો સુધી પહોંચી શકીએ છીએ જ્યાં આપણી સમસ્યાઓનું મૂળ કારણ રહેલું હોય છે.