________________
જૈન આચાર મીમાંસા
વાસ્તવિકતામાં કાયોત્સર્ગ એટલે મન, વચન અને કાયાનું મૌન અને ચૈતન્ય શક્તિનું પ્રવર્તન છે. પણ ચેતનાના પ્રવર્તનને આપણે મન દ્વારા જ અનુભવી શકીએ છીએ તેથી શરૂમાં તો આપણે ચેતનાના પ્રવર્તનને - આત્માના પરિણામને, સ્પંદનને મનની સાથે જ ભેળસેળ કરી દેવાના; પણ જેમ જેમ કાયોત્સર્ગ સધાતો જાય તેમ તેમ આપણે મનને તેનાથી છૂટું પાડી શકીએ. કાયોત્સર્ગની આ ક્ષિતિજો ઉપર સહેજ નજર નાખી હવે આપણે તેની સાધના પદ્ધતિ ઉપર વધારે વિચાર કરીએ.
૧૩૪
કાયોત્સર્ગમાં કોઈ પણ આસનને લઈને શરીરને સ્થિર કરવું રહ્યું. શરૂમાં મોટે ભાગે સૂતાં સૂતાં કાયોત્સર્ગ કરવાનું વધારે અનુકૂળ લાગે છે પણ ચૈતન્યની અનુભૂતિ માટે આગળના તબક્કામાં ઊભા ઊભા કાયોત્સર્ગ કરવાનું વધારે હિતાવહ છે.
આપણે ગમે તે આસન પસંદ કર્યું હોય પણ એમાં શરીરને સીધું અને સ્થિર રાખવાનું હોય છે. ખાસ કરીને કરોડરજ્જુ સીધી રાખવાની હોય છે, ડોક ઝૂકેલી ન જોઈએ અને હાથપગ સમથળ રાખીને ધ્યાનસ્થ મુદ્રાની સ્થિતિમાં આવી જવાનું છે. ત્યાર પછી આપણે પોતે આપણને જ શિથિલ - રિલેક્સ થવાનાં સૂચનો આપતા રહેવાનું છે. પગની આંગળીઓથી શરૂ કરીને ધીમે ધીમે છેક મસ્તકના અગ્રભાગ સુધી આપણે પહોંચવાનું હોય છે અને શરીરના અવયવો, માંસપેશીઓ, કોશિકાઓ સૌને શિથિલ કરી દેવાનાં હોય છે. આપણને નવાઈ લાગે પણ ધીમે ધીમે આપણું સમગ્ર શરીર અંતઃમનનાં સૂચનો સ્વીકારતું જાય છે અને શિથિલ થઈ જાય છે.