________________
૧૩૬
- જૈન આચાર મીમાંસા અને ત્યાં શું શું પડેલું છે, ત્યાં ક્યા સંસ્કારો પડ્યા છે, ક્યા વિકારો રહેલા છે, કઈ નિર્બળતાઓ પડી છે ઇત્યાદિ આપણને સ્કુટ થાય છે. ત્યાર પછી ચેતનાના પ્રવર્તનથી તેમાં યથાયોગ્ય પરિવર્તન પણ લાવી શકીએ છીએ. થોડાક અપવાદ સિવાય આપણે જન્મોજન્મના પહેલા સંસ્કારોને આ પ્રક્રિયાથી બદલી શકીએ છીએ. વાસનાઓ જીતી શકાય છે. ઘણી વાર તો આપણને ખબર પણ ન હોય એવું બધું આ તળ ઉપર આપણને જોવા મળે છે. આ કક્ષા સુધી પહોંચનાર જ સ્વભાવપરિવર્તન કરી શકે છે. કારણ કે તે સમયે ચેતના – પ્રબળ ચેતના સંસ્કારોના સીધા સંપર્કમાં આવી જાય છે. આમ કાયોત્સર્ગમાં આપણા અંતરમાં ડૂબકી મારી છેક તળ સુધી પહોંચી શકાય છે.
પ્રવર્તમાન ચેતના ફક્ત અંત પરિવર્તન કરીને વિરમતી નથી. તેની મંજિલ વળી આગળ વધે છે. તે હવે પોતાની અનુભૂતિ કરી શકે છે જે શરીરથી પરની હોય છે. એક એવી ક્ષણ આવી જાય છે કે જ્યારે તે પોતાના શરીને દૂર રહીને જોઈ પણ શકે છે. શરીર એ આત્માથી ભિન્ન છે. આત્મા શરીરમાં છે પણ એ શરીર નથી એની તે વખતે તાદશ પ્રતીતિ થઈ જાય છે. આ ભેદ જ્ઞાન પ્રત્યક્ષ થઈ ગયા પછી ‘આત્મા અમર છે એવું રટણ કરવાનું રહેતું નથી. આ અનુભૂતિ કર્યા પછી જીવન તરફનો આખો અભિગમ જ બદલાઈ જાય છે. પણ આ અનુભૂતિ સરળ નથી. આ તો જાણે માઉન્ટ એવરેસ્ટ છે. ત્યાં પહોંચનારા તો વિરલા જ હોય. ભલે આપણે ત્યાં પહોંચી ન શકીએ પણ તેનાં દૂરથી દર્શન કરી લઈએ તો પણ ક્યાં? કેડી જોઈ હશે તો કયારેક ડગલાં ભરવાનું મન પણ થશે.