________________
કાયોત્સર્ગ - વૈજ્ઞાનિક અભિગમ
૧૪૯ જૈન તત્ત્વજ્ઞોએ તેમના આરાધના માર્ગમાં જે ત્રણ ગુપ્તિઓનું ખૂબ મહત્ત્વ આંક્યું છે તે છે મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. અરે, આરાધના તો શું પણ સાધુસંતોની દિનચર્યામાં પણ આ ગુપ્તિઓને ખૂબ આવશ્યક ગણવામાં આવી છે. મન, વચન અને કાયાને ગોપવવાનું કાર્ય આમ સહેલું નથી લાગતું પણ એક વખત આપણે જો સાગ થઈ જઈએ તો પછી તે સહજસાધ્ય બને છે. મન, વચન અને કાયાના યોગોને શાંત કરવા સ્થિર કરવા, એટલે ગોપવવા - ગુપ્ત રાખવા. આ ગુપ્તિઓને સાધવાનો ક્રમ ઊલટો છે. સૌ પ્રથમ કાયાને સ્થિર રાખવી પડે છે. ત્યાર પછી વાણીને નિયંત્રિત કરવાની હોય છે. કાયા સ્થિર થતાં વાણીની સ્થિરતા સધાવા લાગે છે. એ બંનેને સ્થિર થતાં તેના વ્યાપારો રંધાતાં શ્વાસ મંદ થવા લાગે છે. શ્વાસ એ પ્રાણની જ ધારા છે. એટલે શ્વાસ સ્થિર થતાં મન પાણા સ્થિર થવા લાગે છે. મનને સૌથી વધારે વેગ આપનાર છે. પ્રાણધારા છે તેને શ્વાસ સાથે સીધો સંબંધ છે. શ્વાસની ગતિ મનની ગતિને દર્શાવનાર બૅરોમિટર કે થરમૉમિટર જેવું છે. શ્વાસ મંદ ને મન મંદ. મનની ગતિ સાથે, આવેગો સાથે શ્વાસની ગતિ વધી જાય છે. મનને જેવો વાણી અને શરીરનો સાથ મળે એટલે વળી આપણા સમગ્ર ચેતના તંત્રને ગતિ મળી જાય છે અને બધું અસ્થિર થઈ જાય છે. મન, વચન અને કાયાની સ્થિરતાનો માપદંડ શ્વાસની સ્થિરતા, લયબદ્ધતા અને ગતિમાં છે. શ્વાસ દીર્ધ અને ઊંડો થાય એટલે મનના તરંગો શાંત થવા લાગે છે. આ આખું વિજ્ઞાન છે. તેને શરીરશાસ્ત્ર અને મનોવિજ્ઞાન બંનેનો આધાર મળેલો છે.
*
*