________________
કાયોત્સર્ગ - વૈજ્ઞાનિક અભિગમ
૧૫૧ નિશ્ચેતન થઈને પડ્યું રહે છે. આપણા શરીરમાં પ્રાણશક્તિ દસ ધારાઓમાં વહેંચાઈને વહે છે અને તેનાથી આપણી દરેક માનસિક વાચિક અને કાયિક પ્રવૃત્તિનું સંચાલન થાય છે. દરેક પ્રવૃત્તિ સાથે આપણી પ્રાણશકિત ખર્ચાય છે અને દરેક સમયે આપણે નવી પ્રાણશક્તિ - ઊર્જા મેળવતા રહેવું પડે છે. આમ પ્રાણશક્તિનો ચય-વિચય ચાલુ જ રહે છે. મિથ્યા આહાર-વિહાર અને વૃદ્ધાવસ્થા સાથે આપણે વધારે પ્રાણશક્તિ ગુમાવીએ છીએ અને ઓછા પ્રમાણમાં પુનઃ પ્રાપ્ત કરીએ છીએ. તેથી તો આપણી ઇન્દ્રિયોની શક્તિઓનો કાળે કરીને નાશ થતો રહે છે. આપણા દરેક વિચાર સાથે, દરેક શબ્દ સાથે, દરેક હલનચલન સાથે પ્રાણશકિત બહાર વહી જાય છે. જ્યારે આપણે કાયોત્સર્ગ સાધીએ છીએ ત્યારે મન, વચન અને કાયાના યોગો સ્થિર થઈ જાય છે. તેથી આપણી પ્રાણશક્તિ ઓછામાં ઓછી વપરાય છે. કાયોત્સર્ગ દિરમિયાન આપણે અંતર્મુખ થઈએ છીએ તેથી સતત બહાર વહેતી પ્રાણધારા અંદર તરફ વળે છે. આમ કાયોત્સર્ગ દરમિયાન પ્રાણશકિતનો સંચય થાય છે એટલું જ નહીં પણ પ્રાણધારા અંદર વહેતાં આપણા શરીરની અને ચિત્તની પણ શુદ્ધિ થાય છે. બહાર વહેતી પ્રાણધારા હલચલ મચાવતી હોય છે. જ્યારે અંતર્મુખ થઈને વહેતી પ્રાણધારા આપણી આંતરિક શક્તિઓને પુષ્ટ કરે છે. તેથી કાયોત્સર્ગ કર્યા પછી કોઈ અપૂર્વ તાજગીનો અનુભવ થવા લાગે છે. આમ કાયોત્સર્ગ શરીર અને મન બંનેનું સ્વાથ્ય આપનાર નીવડે છે.