________________
૧૪૮
જૈન આચાર મીમાંસા, માત્રામાં સુધારાવધારા કરી શકીએ, તેની લંબાઈ - વેવલેન્થ – ઘટાડી શકીએ કે વધારી શકીએ જેથી તેની અસરોની તીવ્રતામાં ઘટાડો કે વધારો કરી શકીએ. આમ કરતાં આપણે છેક અપ્રકંપનની અવસ્થા સુધી ન પહોંચી શકીએ તોપણ અલ્પ પ્રકંપનની અવસ્થાની તો નિષ્પત્તિ કરી શકીએ. બાહ્ય તરંગો ઝીલવાની શકિતમાં વધારો પણ કરી શકીએ અને જેને દૂર રાખવા માગતાં હોઈએ એવા તરંગો સામે સક્ષમ કવચ પણ ઊભું કરી શકીએ. આમ પ્રકંપનમાંથી અપ્રકંપન તરફ જવાનો રાજમાર્ગ કાયોત્સર્ગથી શરૂ થાય છે કે ત્યાંથી પસાર થાય છે.
અપૂર્વ શાંતિ
જો આપણે વસ્તુના ઊંડાણમાં જઈને સ્વસ્થતાથી વિચાર કરીશું તો લાગશે કે આપણી સમગ્ર પ્રવૃત્તિઓનું આદિ બિંદુ શરીર છે. અને તેનું અંતિમ બિંદુ પણ શરીર જ રહે છે. આપણો સંસાર એટલે શરીરદર્શન અને તે અંગે થનારી આપણી પ્રવૃત્તિઓ, પરંતુ શરીર નશ્વર છે તેથી શરીરની સમાપ્તિ સાથે આપણો સંસાર પણ નષ્ટ થઈ જાય છે. અને જીવનભર આદરેલી આપણી પ્રવૃત્તિઓ છેવટે વૃથા કરે છે. કાયોત્સર્ગની સૌપ્રથમ ચોટ શરીરદર્શન ઉપર છે. એક વાર શરીરથી પરના તત્વ ઉપર આપણી નજર પડે પછી આપણો સમગ્ર સંસાર બદલાઈ જાય છે - જીવન બદલાઈ જાય છે. આ સત્યનું દર્શન કરવા માટે સૌ પહેલાં આપણે શરીરથી ઉપર ઊઠવું પડે છે અને તે માટે કાયોત્સર્ગ જાણવો પડે, સમજવો પડે અને કરવો પણ જોઈએ.