________________
૧૩૭
કાયોત્સર્ગ - વૈજ્ઞાનિક અભિગમ
કાયોત્સર્ગ પારવા માટે એટલે પૂર્ણ કરવા માટે, એમાં જવા માટે જે પ્રક્રિયા કરી હોય છે તેને ધીમે ધીમે ઊલટાવવાની હોય છે. કાયોત્સર્ગ દરમિયાન આપણી ચેતના તો ભાગ્યે જ દેહથી અલગ થઈ શકી હોય છે. (આવી સિદ્ધિ તો યોગની ખૂબ આગળની અવસ્થા છે.) પણ તેનો દેહ સાથેનાં સંપર્કબિંદુઓ ઓછાં થઈ ગયાં હોય છે. શરીર હલકું થઈ ગયું હોય છે. સૌ પ્રથમ ચેતના, ચેતનાને પાછા ફરવાનું સૂચન કરે છે. ધીમે ધીમે ચેતના શરીર સાથેનું પોતાનું સંપકક્ષેત્ર વધારતી જાય છે. મસ્તકથી શરૂ કરી ધીમે ધીમે નીચે ઊતરીને પગની આંગળીઓ સુધી શરીરને ચેતનવંતુ કરવાનું હોય છે. આ પ્રક્રિયા પણ સ્વસૂચનથી થાય છે. સુષુપ્ત થઈ ગયેલાં અંગ-ઉપાંગો જાગૃત થવા માંડે છે. કાયોત્સર્ગ પૂરો કરવામાં ઉતાવળ કરવાની નથી. ઉતાવળ થઈ જાય તો એક પ્રકારનું અસંતુલન પેદા થાય છે જે આધ્યાત્મિક અને શારીરિક સ્વાસ્થ બંનેની ઉપલબ્ધિને ઓછી કરી નાખે છે અને અમુક અંશે હાનિ થવાનો પણ સંભવ રહે છે. અંગ-ઉપાંગો જાગ્રત થયા પછી હળવેથી બેઠા થઈને પરમાત્માનું સ્મરણ કરી, પરમાત્મ શકિતને વંદન કરી, કાયોત્સર્ગ સંપૂર્ણ કરી ઊભા થયા પછી અન્ય શારીરિક અને માનસિક પ્રવૃત્તિઓમાં ધીમે ધીમે જોડાવું ઇષ્ટ છે. કાયોત્સર્ગ સંપૂર્ણ થતાં તન અને મન અપૂર્વ તાજગી અનુભવે છે. બધું શાંત અને સ્વસ્થ લાગવા માંડે છે. સામાન્ય સારી રીતે કાયોત્સર્ગ થયો હોય તો બે ઘડી એટલે અડતાળીસ મિનિટ થાય જ. પછી વધારેઓછો સમય થાય તે પોતપોતાની તત્પરતા, તાલીમ અને ક્ષમતા ઉપર આધાર રાખે છે.