________________
કાયોત્સર્ગ - વૈજ્ઞાનિક અભિગમ
૧૪૩ પ્રવૃત્તિશીલ થઈએ છીએ. પરંતુ આપણી સમજ કાચી હોવાને લીધે કે આપણી ક્ષમતા ઓછી હોવાને લીધે સંતુલન સાધવાની પ્રક્રિયામાં જ આપણે વધારે ને વધારે અસંતુલિત થઈ જઈએ છીએ. સંતુલન સધવા માટે કાયોત્સર્ગ જેવું અસરકારક કોઈ સાધન નથી.
જે કોઈ આત્મા-પરમાત્માની વાત કરતું હોય, અધ્યાત્મ પ્રતિ તેનો ઝોક હોય તો તે આત્મજ્ઞાનની વાત આવવાની જ. આત્મજ્ઞાન ધ્યાન વિના ભાગ્યે જ સિદ્ધ થઈ શકે. જ્યાં સુધી દેહાધ્યાસ ગાઢ છે. ત્યાં સુધી દેહની બાબતો સિવાય આપણે બીજું કંઈ વિચારી શકતા નથી. આત્મજ્ઞાન પ્રાપ્તિની પહેલી શરત છે દેહાધ્યાસથી મુકિત કે દેહાધ્યાસની અલ્પતા. ચૈતન્યની પ્રતીતિ કરવા માટે દેહાધ્યાસ ઓછો કરવો પડે અને તે માટે પણ કાયોત્સર્ગ જેવું કોઈ સાધન નથી.
સરળતા ખાતર ભલે આપણે કાયોત્સર્ગને એક ક્રિયા તરીકે કે વિધિ તરીકે ઓળખીએ પણ વાસ્તવમાં તો તેમાં ક્રિયાનો લોપ કરવાનો છે. એ જ રીતે કાયોત્સર્ગને આપણે ધ્યાન પણ અમુક અપેક્ષાએ જ કહેવાનું છે કારણ કે તેના અંતિમ ચરણમાં ધ્યાન પણ છૂટી જાય અને ફક્ત ઊર્જાનું અસ્તિત્વ રહે.
ધ્યાનમાં એકાગ્રતા છે, વિષયની સાથે તન્મયતા છે પછી ભલે તે વિષય સૂક્ષ્મ હોય કે આધ્યાત્મિક હોય જ્યારે કાયોત્સર્ગમાં વિષય જ છૂટી જાય છે - છોડવાનો હોય છે. આપણા સર્વ વિષયોનું કેન્દ્ર શરીર છે - દેહ છે. જ્યાં દેહ છોડવાની વાત આવી ત્યાં પછી વિષય કેવી રીતે રહે? આમ કાયોત્સર્ગ વિષયના મૂળમાં જ ઘા કરે