________________
૧૪૪
જૈન આચાર મીમાંસા છે પછી ડાળખાં-પાંદડાં કે ફળ-ફૂલ ટકવાની વાત જ કયાંથી રહે? આપણાં સર્વ સુખ કે દુઃખનું વેદન આપણે દેહ દ્વારા કરીએ છીએ. દેહમાં જ તેનો આવિર્ભાવ થાય છે એ વાત આપણે રખે ભૂલીએ. જ્યાં દેહ છોડવાની વાત આવી ત્યાં પછી મને પણ છૂટી જાય. એક વાર મનની પકડ છૂટી ગઈ પછી વાણી કયાં રહી? અને કાયાનો યોગ કરવાપણું પણ ક્યાં રહ્યું?
એક વખત દેહાત્મભાવ છૂટી ગયો પછી કોણ આપણું અને કોણ પરાયું? રોગ કોને થાય છે? વૃદ્ધ કોણ થાય છે? અરે, મૃત્યુ કોણ પામે છે? આ બધું શરીર વિના કે દેહ વિના શક્ય નથી. એક વાર જ્યાં દેહ જ છૂટી ગયો ત્યાં આ બધાનું અસ્તિત્વ કયાં રહ્યું?
મૃત્યુ દેહને છોડાવે છે. રોગો દેહને પીડા આપે છે. કાયોત્સર્ગમાં ચૈતન્ય પોતાની મેળે જ દેહને છોડી જુએ છે. કાયોત્સર્ગ દેહ છોડવાનો અભ્યાસ છે. વાસ્તવિકતામાં કાયોત્સર્ગ દરમિયાન ચૈતન્ય દેહને પૂર્ણ રીતે છોડતું નથી. પણ દેહ સાથેનો તેનો સ્પર્શ ઓછો થતો જાય છે. અને જે કંઈ સ્પર્શ રહે છે તે પણ સઘન હોતો નથી. તે સમયે ચેતનાના દેહ સાથેનાં સ્પશકન્દ્રો ઘણાં ઓછાં થઈ જાય છે. જો સંપૂર્ણ કાયોત્સર્ગ સધાય તો ચેતના અને કાયા બંને આપણી ઇચ્છા મુજબ અલગ પડી જાય અને પછી ધાર્યા પ્રમાણે બંને એક પણ થઈ જાય. આમ સાધ્ય તો બંનેને અલગ પાડી જોવાનું છે પણ તે બનતું નથી અને જો એવો કાયોત્સર્ગ ઘટે તો આપણે બડભાગી. આત્મા અને દેહ બંને ભિન્ન છે. એની પ્રત્યક્ષ પ્રતીતિ થાય એ કંઈ નાનીસૂની વાત નથી.