________________
૧૨૨
જૈન આચાર મીમાંસા પણ તે કયારેય નહિ ભરાવાનો. અનિત્યને નિત્ય માની તેનો સંગ્રહ કરતા રહેવું એ પરિગ્રહ છે. જે પકડાતું નથી તેને જિંદગીભર પકડતા રહેવું એ મૂર્છા છે. આમ પરિગ્રહ મોટી ભ્રાન્તિ છે.
હજુ વધારે ઊંડાણમાં ઊતરીને વિચારીશું તો લાગશે કે પરિગ્રહની મૂછ પાછળનું એક પ્રબળ કારણ છે આપણા જીવનનો ખાલીપો - રિક્તતા, આપણે અંદરથી ખાલી છીએ. જીવવા માટે આપણી પાસે કોઈ સબળ આલંબન નથી. જીવનના આપણા ખાલીપાને આપણે વસ્તુઓથી – સંબંધોથી ભર્યા કરીએ છીએ. પછી આપણે તેને વિવિધ રીતે ઓળખાવીએ છીએ. આમ અન્યને તો શું આપણનેય આપણે છેતરીએ છીએ. આપણી અંદર આત્મસંપત્તિના ભંડાર ભર્યા છે, અનંત શકિતનો સ્ત્રોત આપણી અંદર વહી રહ્યો છે પણ આપણે તેનાથી અજાણ્યા રહી ગયા છીએ. આપણને આપણી આત્મસત્તાની અને તેની મહત્તાની ખબર નથી તેથી બેકાર - નકામી ચીજોથી આપણા ખાલીપાને ભર્યા કરીએ છીએ. વાસ્તવિકતામાં આપણે ખાલી નથી, ભરેલા છીએ; પણ આત્માની અમૂલ્ય સંપત્તિ આપણી નજરે નથી પડી તેથી જીવનભર અર્થવિહીન પ્રવૃત્તિઓ કરતા રહીને વ્યર્થના ઢગલા કરતા રહીએ છીએ. વ્યર્થ કેટલું કામ આવશે? તેના બદલે જો આપણે આત્માની અનંત સંપદાનો આવિર્ભાવ કરીશું તો આપણે ભરાઈ જઈશું અને સૌને પણ ભરી દઈશું. અંતરનો ખાલીપો વસ્તુઓ કે સંબંધોથી નહિ ભરાય. વ્યર્થનો ભાર કયાં સુધી વેંઢારીશું? અસ્તિત્વને પામી લઈશું તો આત્માની અનંત સંપદાથી આપણે કાયમ માટે ભરાઈ જઈશું.