________________
૧૨૮
જૈન આચાર મીમાંસા ત્રણેય પ્રકારે કરવાનું હોય છે.
વળી સઘળાં વ્રતો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચાર પ્રકારે આચરવાનાં હોય છે. દ્રવ્યથી એટલે વસ્તુથી અથવા શરીરથી, ક્ષેત્રથી એટલે સર્વલોકને અનુલક્ષીને, કાળથી એટલે દિવસ-રાત્રિ એમ સર્વ કાળના સંદર્ભમાં અને ભાવથી એટલે હૃદયના પૂર્ણ ભાવથી, પૂર્ણ નિષ્ઠાથી એમ વ્રતોનું પાલન કરવાનું હોય છે.
વ્રતપાલનનો વળી વ્યવહારથી અને નિશ્ચયથી એમ બંને પ્રકારે વિચાર થાય છે. વ્યવહારથી એટલે દેખીતી રીતે, સાંસારિક રીતરિવાજ પ્રમાણે, બાહ્યાચારથી અને નિશ્ચયથી એટલે આત્માને અનુલક્ષીને, પારમાર્થિક રીતે. તેમાં વિશેષતઃ અત્યંતર પરિણામો મહત્ત્વનાં ગણાય છે, રુચિ, વલણ, ઝોક વગેરે અત્યંતર પરિણામોની અંતર્ગત આવે છે.
આપણે ખાસ કરીને પાંચ મૂળ વ્રતોની ચર્ચા કરી, કારણ કે તેની જ પ્રધાનતા છે. અન્ય ત્રણ વ્રતો ગુણવ્રતો છે અને બાકીનાં ચાર વ્રતો શિક્ષાવ્રતો છે જે મૂળ વ્રતોની પુષ્ટિ માટેનાં છે. વાસ્તવિકતામાં આત્મા પરમાત્મામાં સ્થિત થાય એ આ વ્રતોનો હેતુ છે અને તેના માટે ચારિત્ર ગુણની પ્રાપ્તિ કરી જીવ તૈયાર થાય તે વ્રતોનો આચાર છે.