________________
૧૨૬
જૈન આચાર મીમાંસા પૂર્ણ રીતે હસ્તગત કરવું હોય તો તેનો સતત મહાવરો રહેવો જોઈએ. આ મનોવૈજ્ઞાનિક બાબત ઉપર પૂર્ણ ધ્યાન આપીને આ ચાર શિક્ષાવ્રતોનું આયોજન કરવામાં આવ્યું છે. એ છે સામાયિક, દેશવકાશિક, પૌષધ અને અતિથિ સંવિભાગ.
સામાયિક એટલે સમભાવમાં સ્થિતિ, અને નિશ્ચયથી વિચારીએ તો આત્મામાં સ્થિરતા. સામાયિક વિષે આવશ્યકના વિષયોમાં વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે જેથી અહીં તેનો માત્ર ઉલ્લેખ કર્યો છે. દેશાવકાશિક વ્રત શ્રાવકો સામાન્ય રીતે તે દિવસે દસ સામાયિક લઈને કરે છે પણ તેની પાછળનો મૂળ હેતુ ક્ષેત્રની મર્યાદા કરી વૃત્તિઓ અને પ્રવૃત્તિઓને વિશેષે કરી એક દિવસ માટે સંકોચવાનો છે. પૌષધ વ્રત એ તો સાધુજીવનની ચર્ચા છે. એક દિવસ માટે સાધુના બધા આચારો પાળવાના એટલે એક દિવસના સાધુ, સાધુ જીવનનો એ નાનકડો અભ્યાસક્રમ છે. છેલ્લા અતિથિ સંવિભાગ વ્રતમાં પોતાના માટે નિયત થયેલા આહાર-પાણી ઇત્યાદિમાંથી અતિથિને આપ્યા પછી પોતે તેનો ઉપયોગ કરવાની બાબત છે. આ વ્રતમાં સંયમનો ભાવ તો છે જ પણ ત્યાગની અનુમોદનાનો ભાવ છે. સંયમીની ભક્તિનો ભાવ છે, સાધર્મિકના બહુમાનનો ભાવ છે; આપણી વસ્તુ, આપણા માટે તૈયાર કરેલ ભોજન ઇત્યાદિ અન્યને આપતાં આનંદ થાય તો સમજવું કે આપણી વ્રતયાત્રા બરોબર થાય છે. તેથી તો આ વ્રતનો ક્રમ છેલ્લે રાખ્યો હશે – એમ લાગે છે. વ્યવહારથી શ્રાવકો, સાધુ-સાધ્વીને આહાર-પાણી ઇત્યાદિ વહોરાવીને આ વ્રતનું પાલન કરે છે પણ તેની પાછળની ભાવનાનો ખ્યાલ રહે તો વ્રત વધારે ફળદાવી નીવડે.