________________
જૈન આચાર મીમાંસા ક્રિયાને જો આપણે આત્માર્થે મૂલવવી હોય તો તેથી કેટલાં કર્મોને તે રોકશે અને કેટલાં કર્મોને તે નિર્જરશે – ખેરવશે તેની ગણતરી રાખી ક્રિયાને ચકાસી જોવી પડે. આ રીતે જો પ્રતિક્રમણને મૂલવીએ તો તેનું મહત્ત્વ આપણને સમજાય. પ્રતિક્રમણ દરમિયાન સુંદર સંવર સધાય છે પણ સાથે સાથે તે કર્મોની અસરકારક નિર્જરા કરે છે. જેમ જેમ પ્રતિક્રમણમાં ભાવ ભળતો જાય તેમ તેમ જીવ એક પ્રકારનું હળવાપણું અનુભવવા લાગે છે અને તેનો યાત્રાપથ સુગમ થતો જાય છે.
જાગરૂકતાના અભાવમાં જીવ, મન-વચન-કાયાના અશુભ યોગોમાં વારંવાર સરકી જાય છે અને તેથી અનર્ગળ કર્મોનો બંધ કરે છે. એમાંય આત્માનાં આર્ત અને રૌદ્ર પરિણામોને લીધે ઘણાં ભારે અને ચીકણાં કર્મો આત્મા સાથે વજલેપ જેવાં થઈ જાય છે. મનવચન અને કાયાનાં અશુભ યોગોમાંથી પાછા ફરીને ઉત્તરોત્તર શુભ યોગોમાં જવા માટે પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણ શેનું કરવાનું છે? પ્રતિક્રમણ મિથ્યાત્વનું, અવિરતિનું, કષાયોનું અને અપ્રશસ્ત યોગોનું કરવાનું છે. જ્ઞાન-દર્શન અને ચારિત્રનો ઉદય કોઈકને જ એક ક્ષણમાં થાય. આપણા જીવનની નીતિ-રીતિ જ એવી છે કે આપણે સાચા સુખથી દૂર રહીએ છીએ એટલું જ નહીં પણ તેને ઓળખતા નથી. આ છે મિથ્યાત્વ. કદાચ સાચા સુખની આત્માના ગુણોની વાત સહેજ સમજાઈ હોય તો પણ આપણી પ્રવૃત્તિ તો હંમેશાં આત્માના ગુણોનો ઘાત થતો રહે એવી જ થતી હોય છે. આપણા મનમાં હંમેશાં કષાયોના ઉછાળા હોય છે. પળેપળે આપણે ક્રોધ, અભિમાન, કપટ અને લોભમાં રમતા હોઈએ