________________
જૈન આચાર મીમાંસા પચ્ચખાણની વાત પૂર્ણ કરતાં પહેલાં બીજી પણ એક વાત સમજી લઈએ કે પચ્ચખાણ પ્રતિક્રમણ પછી જ આવે એ વાત પણ ખૂબ મનોવૈજ્ઞાનિક છે. જ્યારે અતીતના દોષોનું પરિમાર્જન થયું હોય – શુદ્ધિ થઈ ગઈ હોય ત્યારે પચ્ચખાણ લેવા માટેની યોગ્ય ભૂમિકા સર્જાઈ હોય છે. દોષને દોષ તરીકે સ્વીકાર્યા પછી અને તેનો પશ્ચાત્તાપ કર્યા પછી જ ભાવિનાં પચ્ચખાણ લેવાય અને તો જ તે ટકે. વળી જો પ્રતિક્રમણ ભાવપૂર્વક અને ધ્યાનપૂર્વક થયું હોય તો સાધક પોતાના મનની ગહરાઈમાં – ઊંડાણમાં ઊતર્યો હોય છે અને તે સમયે જો પચ્ચકખાણ લેવાય તો તે વધારે દઢ થઈ જાય છે કારણ કે તે છેક અવચેતન મન અને અચેતન મનના સ્તરે લેવાયેલું હોય છે. જે ક્રિયા કે વિચાર મનના છેક ઊંડાણમાં જન્મે છે તેના સંસ્કાર ખૂબ ગાઢ બની જાય છે. આમ છ આવશ્યકમાં પચ્ચખાણના ક્રમનું પણ મહત્ત્વ છે.
દિગંબર સંપ્રદાયમાં પ્રતિક્રમણ પછી તુરત જ પચ્ચકખાણ લેવાય છે. ‘મૂલાચાર”માં આવશ્યક વિશે જે વિચાર થયો છે તેમાં કાયોત્સર્ગનું સ્થાન છેલ્લું છે. શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાં ભદ્રબાહુ સ્વામીની નિયુકિતના આધારે જે ક્રમ ગોઠવાયો છે તેમાં પાંચમા સ્થાને કાયોત્સર્ગ છે અને છઠ્ઠા સ્થાને પચ્ચખાણ છે. આ તફાવત માટેનાં કારણો છે પણ તેની ચર્ચા અહીં અસ્થાને છે. મહત્ત્વની વાત એટલી જ છે કે પ્રતિક્રમણ પછી પચ્ચખાણ
આવે.