________________
જૈન આચાર મીમાંસા
આપણે ત્યાં દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ચોરી વિસ્તૃત વર્ણન થાય છે જે અચૌર્યના સૂક્ષ્મ પાલન માટે ખૂબ ઉપયોગી છે. જૈન ધર્મ એકલા કાર્યને કે ક્રિયાને દોષિત ગણતો નથી. જૈન ધર્મના મતે તો ચોરી કરી તે તો ચોરી જ છે; પણ ચોરી કરાવી કે કોઈને ચોરી કરવા પ્રોત્સાહન આપ્યું અથવા કોઈએ કરેલી ચોરીમાં રાજી થયા - અનુમોદના કરી તે પણ ચોરી જ છે. આપણે કરવું, કરાવવું અને અનુમોદવું એમ ત્રણ રીતે ક્રિયાનો વિચાર કરીએ છીએ. અચૌર્ય આત્માનો ગુણ છે જેને આપણે આ વ્રતનું પાલન કરી પ્રગટાવવાનો છે. નિશ્ચય નયની રીતે તો કર્મનું આવાગમન થાય તેવી પ્રવૃત્તિ કરવી તે ચોરી છે. કર્મ, શુદ્ધ સ્વરૂપ આત્મા માટે પારકી વસ્તુ છે. આત્મા કર્મ ગ્રહણ કરે તે ભાવ ચોરી છે. આમ બધી રીતે વિચાર કરીને જ્ઞાનીઓએ અચૌર્યને મહાવ્રતમાં સ્થાન આપેલ છે.
૧૧૨
બ્રહ્મચર્ય :
બ્રહ્મચર્ય સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ વ્રત ગણાય છે. તેની શ્રેષ્ઠતા સમજવા માટે આપણે વૈજ્ઞાનિક ઢંગથી વિચાર કરવો પડશે. બ્રહ્મ શબ્દનો અર્થ પરમાત્મા અથવા પરમાત્મશક્તિ થાય છે. પરમાત્મશક્તિમાં વિચરવાની ક્રિયાને બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. વિચરવું એટલે ગતિ કરવી. જેની ગતિ પરમાત્મશક્તિ પ્રતિની હોય તેને ઉપચારથી બ્રહ્મચર્ય વ્રતનો સાધક ગણી શકાય. વાસ્તવિકતામાં બ્રહ્મચર્ય રમણતા એ જ સર્વ વ્રતોનું લક્ષ્ય છે. આવા મહત્તમ વ્રતને તેના યથાર્થ સંદર્ભમાં સમજવું જરૂરી છે.