________________
૧૧૮
જૈન આચાર મીમાંસા અપરિગ્રહ :
અપરિગ્રહ એ બહુ સૂક્ષ્મ વાત છે. કોઈને એમ લાગે કે ભલા વસ્તુ રાખવામાં શું પાપ છે તે અપરિગ્રહને વ્રતમાં સ્થાન આપી દીધું ? પરિગ્રહ એ ધીમું ઝેર છે તેથી આપણને તેની અસર ઝટ વરતાતી નથી પણ તે આત્માનું ઘાતક છે. તેથી જ તો અપરિગ્રહને મહાવ્રતોની હરોળમાં સ્થાન મળ્યું છે. અપરિગ્રહમાં ઊતરવા માટે આપણે પહેલાં તો પરિગ્રહને જાણવો પડશે. પરિગ્રહને સમજ્યા વિના અપરિગ્રહની મહત્તા નહિ સમજાય.
સામાન્ય રીતે આપણે પરિગ્રહમાં વસ્તુને ગણીએ છીએ પણ પરિગ્રહ ત વસ્તુઓનો જ નથી હોતો. પરિગ્રહ વ્યક્તિઓનો હોઈ શકે, સંબંધોનો પણ પરિગ્રહ હોઈ શકે. પશુ-પક્ષીનો પણ પરિગ્રહ હોય છે. પરિગ્રહ આપણી મૌલિક વૃત્તિ છે, જે જન્મની સાથે જ આપણામાં આવે છે. નાનું બાળક પણ કોઈ રંગીન વસ્તુને હાથમાં પકડી લે છે અને છોડતું નથી. આ પરિગ્રહની સંજ્ઞા છે જે જીવ ભવાંતરમાં પણ પોતાની સાથે લઈને જાય છે, પરિગ્રહ એ મૂછ છે જેને તોડવાનું સામર્થ્ય આપણને મનુષ્ય-જન્મમાં જ મળે છે. તો બીજી બાજુ પરિગ્રહને વધારવાની વ્યવસ્થા પણ મનુષ્યના ભવમાં જ થઈ શકે છે. કોઈ રખે માની લે કે વસ્તુ વ્યર્થ છે માટે પરગ્રિહ ખોટો છે. વસ્તુને તેનો ઉપયોગ છે. સંબંધોની પણ શોભા છે – હૂંફ છે. પણ જે મહત્ત્વની બાબત છે તે પરિગ્રહની વ્યર્થતાની.
જીવ પરિગ્રહ શાથી કરે છે એ વાત નહિ સમજીએ ત્યાં સુધી તેની વ્યર્થતા મનમાં નહિ જશે. જ્યાં સુધી પરિગ્રહની વ્યર્થતા કે પાગલપન નહિ સમજાય ત્યાં સુધી અપરિગ્રહમાં નહિ જવાય.