________________
વ્રત વિશેષ
ગુણપ્રાપ્તિ પ્રતિ
કે જે મારું નથી તેને હું મારું માનીને ગ્રહણ કરું અને તેને ભોગવું કે તેનો પરિગ્રહ કરું. આ રીતે પણ અચૌર્યનો વિચાર કેટલાક આધ્યાત્મિક પુરુષોએ કર્યો છે.
-
૧૧૧
ચોરીના મૂખ્ય બે કારણો છે. એક છે જરૂરિયાત. જીવન માટે જે જરૂરી સામગ્રી છે તે પ્રામાણિક પ્રયાસો કરવા છતાંય ન મળે ત્યારે માણસ ચોરી કરવા પ્રેરાય છે કે મજબૂર થઈ જાય છે, વિશેષે કરીને આ સામાજિક બાબત છે અને તેને હલ કરવા માટે જૈન ધર્મમાં અનુકંપા દાનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પણ અહીં આપણો જે વિષય છે તે અચૌર્ય, જેને અંદરની વૃત્તિ સાથે સંબંધ છે. લોભ અને પરિગ્રહ મનુષ્યની અંદર રહેલી વૃત્તિ છે - સંસ્કાર છે. આપણે અહીં તેને વિષે વિચાર કરી રહ્યા છીએ. લોભ સંતોષાય નહિ, પરિગ્રહની ભૂખ વધતી જાય એટલે પણ માણસ ચોરી તરફ વળે છે. વિક્ષિપ્ત થયેલો પરિગ્રહ કે વકરેલો લોભ ચોરીમાં પરિણમે છે. જો પરિગ્રહ સ્વસ્થ બની જાય કે લોભ સંતોષમાં પરિણમે તો માણસ દાન તરફ વળે છે. તેથી એવું ઘણી વાર બને છે કે અતીતનો લોભી કે પરિગ્રહી ભાવિનો દાની બની જાય છે. જે ક્ષણે માણસને પરિગ્રહની વ્યર્થતા સમજાઈ જાય કે લોભની નિરર્થકતા લાગે તે ક્ષણે તે ચોરીમાંથી અટકી જાય છે અને અચૌર્યમાં પ્રવેશ કરે છે. અતીતમાં પાછા જવાનો રસ્તો હોતો નથી ત્યારે તે દાન તરફ વળે છે. દાન એ ભૂતકાળના લોભ કે પરિગ્રહનું પ્રાયશ્ચિત્ત છે. પણ દાન કરવા માટે વધારે કમાવું કે પરિગ્રહ કરવો એ વાત બરોબર નથી, કારણ કે એમાં તો મૂળ વાતનો જ ઘાત થઈ જાય છે.