________________
૧૧૦
જૈન આચાર મીમાંસા કલા, ધર્મ એવાં ઉદાત્ત ગણાતાં ક્ષેત્રોમાં પણ સારા વાઘા સજીને ચોરી મહાલે છે. અન્યના સારા વિચારો કે આચારો લેવામાં કંઈ ખોટું નથી પણ તે આપણે નામે ચઢાવી દેવાં એ ચોરી છે. સિફતથી કરેલી ચોરી પકડાય કે ન પકડાય એ અલગ વાત છે પણ તે નૈતિક રીતે તો અપરાધ છે અને જે કર્મબંધનું કારણ બની, બીજા ભવમાં આપણને તેવાં કળા-કૌશલ્યથી વંચિત રાખે છે.
દંભ પણ માનસિક ભૂમિકા ઉપરની ચોરી છે. હું જે નથી તેવો અન્યને દેખાડું તે પણ ચોરીનો જ પ્રકાર છે. દંભને કારણે લોકો છેતરાય છે એ વાત તો ખરી પણ ઘણી વાર તો જીવ પોતાના દંભથી પોતાને પણ ઠગે છે, જેને આત્મવંચના કહે છે. આ પ્રકારની ચોરી આત્માના ગુણોનો ઘાત કરી આપણને ખોટના ખાડામાં ઉતારે છે. જેવા છીએ તેવા દેખાવું પારદર્શકતા સદ્ગુણ છે - અચૌર્ય છે એ વાત સમજીને આચરણમાં ઉતારવા જેવી છે.
અચૌર્યને મહાવ્રતમાં સામેલ કરેલ છે તે અધિકતર તો તેની પાછળ રહેલાં આધ્યાત્મિક કારણોને લીધે, ચોરી આપણા શરીરને કેન્દ્રમાં રાખીને થાય છે. શરીર એ હું અને મારા માટે એટલે શરીર માટે એ તેની પાછળનો નિશ્ચિત ભાવ છે. મૂળમાં આ જ મિથ્યાજ્ઞાન છે, મિથ્યાદર્શન છે. વળી શરીર પ્રતિના અપ્રતિમ રાગ વિના ચોરી ન થઈ શકે. ચોરીની પાછળ પ્રબળ રાગનો ભાવ પડેલો છે. આમ જોઈએ તો શરીર આપણું છે જ નહીં, કર્મે આપણને શરીર આપ્યું છે જે વાસ્તવિકતામાં આપણી વિભાવ અવસ્થા છે. કર્મ પણ પરદ્રવ્ય છે. સૂક્ષ્મ આધ્યાત્મિક રીતે કર્મ, જે પરદ્રવ્ય છે તેને ગ્રહણ કરવું તે પણ ચોરી ગણાય. ચોરીનો સૂક્ષ્મ અર્થ એ છે