________________
છ આવશ્યક - આચારસંહિતા છે તેની પાછળ- આ વિચારધારા રહેલી છે. એ જ રીતે રાત્રીભોજનનાં પચ્ચખાણ લેવાય છે. રાત્રે ભોજન નથી લેતા માટે પચ્ચકખાણની જરૂર નહીં તે વાત જૈન ધર્મ માન્ય રાખતો નથી. જે નથી કરતાં તેનાં પચ્ચખાણ લેવામાં વાંધો શો? એ રીતે વાતને પકડવાની છે. ભાગીદારી પેઢીમાંથી નોટિસ આપીને છૂટા થઈ જાવ પછી પેઢીના લેણાદેણામાં તમારી જવાબદારી નહીં. આ માટે જીવે કંઈ વધારે પ્રયાસ કરવાનો નથી રહેતો. તેણે ગુરુની પાસે જઈ પચ્ચખાણ લેવાનાં કે આ બધામાં હવેથી હું ભાગીદાર નહીં જૈન ધર્મની પચ્ચકખાણની આ વાત વિશિષ્ટ છે અને ખૂબ સૂક્ષ્મ છે. જૈનો પણ સરળતાથી આ વાત સ્વીકારતા નથી ત્યાં જૈનેતરોની તો વાત જ ક્યાં કરવી? (તેથી તો આપણે ઉપર ભીષ્મ પિતામહના ઉદાહરણની વાત કરી અને ભાગીદારી પેઢીનો પણ દાખલો દીધો. છતાંય આ વાત સૂક્ષ્મ તો રહે છે જ)
અંતમાં, ફરીથી એ વાતનો ઉલ્લેખ કરી લઉં છું કે પચ્ચખ્ખાણ ભાવિનું થાય છે - જે પ્રતિક્રમણની પ્રક્રિયાના બીજા છેડાની વાત છે. પચ્ચખાણ લેવાથી અન્ય દ્રવ્ય, ક્ષેત્ર અને કાળમાં થતી પ્રવૃત્તિઓમાં આપણી ભાગીદારી રહેતી નથી અને તેનાં પાપકર્મોનો બંધ જે સતત જીવ ઉપર પડતો રહે છે તેનાથી બચી જવાય છે. સૌ ધર્મોએ સ્વક્ષેત્ર, સ્વદ્રવ્ય અને પોતાના કાળની વાત કરી અને એ માટેના સંયમની વાત કરી છે. પણ અન્ય ક્ષેત્ર, અન્ય કાળ અને અન્ય દ્રવ્યની વાત કરી તેનાં પચ્ચખાણ લેવાની વાત ફક્ત જૈન ધર્મે જ કરી છે, જે અનેક બાબતોમાં જૈન ધર્મ અન્ય ધર્મોથી જુદો પડે છે તેમાં પચ્ચકખાણની આ વાત પણ એક મહત્ત્વની વાત છે.