________________
૮૦
જૈન આચાર મીમાંસા જાવ. દિલની શુદ્ધિ કરો, કર્મના મળને દૂર કરી ચોખ્ખા થઈ જાવ - આવી વાત જૈન ધર્મની છે. પ્રતિક્રમણની વાત એ જાગરુકતાની વાત છે. એમાં સમયનો પણ પ્રમાદ નહીં રાખવાનો. ક્ષણનીય આળસ ન ચાલે. ક્રિયા ભલે એની એ લાગે પણ પ્રતિક્રમણનો ભાવ એનો એ ન હોય. ભાવમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી હોય તો કિયા કદીય નીરસ ન લાગે. સામાન્ય રીતે આપણે પ્રતિક્રમણને સૂત્રો બોલવા પૂરતું મર્યાદિત કરી નાખ્યું છે અને ભાવને તેની સાથે યથાયોગ્ય રીતે જોડ્યો નથી. અરે! ભાવની વાત ક્યાં કરવી? . પ્રતિક્રમણના મૂળભૂત સિદ્ધાંતને જ આપણે પૂરો સમજ્યા નથી ત્યાં સાચું પ્રતિક્રમણ થાય કેવી રીતે? અને પછી તેનો લાભ પણ શી રીતે મળે? પ્રતિક્રમણમાં સૂત્રો મહત્ત્વનાં છે પણ તેના અર્થોય ખૂબ મહત્ત્વના છે. સૂત્રોનું ઉચ્ચારણ – રટણ મહત્ત્વનું તો છે જ. પણ અર્થ સાથે થયેલાં સૂત્રોમાં ભાવ ભળે છે ત્યારે તે વધારે શકિતશાળી બની જાય છે. જ્ઞાન વગરની – સમજણ વગરની ક્રિયા કાયકલેશથી વિશેષ નથી બનતી અને તેનું ફળ મળે તોપણ તે ઘણું ક્ષુલ્લક હોય છે. તેથી તો આપણે અહીં આવશ્યક વિશે વિચાર કરવાનું પસંદ કર્યું છે. કોઈ રખે માને કે એમાં સૂત્રોને ગૌણ ગણ્યાં છે. આપણે ત્યાં સૂત્રો સુલભ છે અને તે માટેનું સાહિત્ય ઢગલાબંધ અહીતહીં વહેંચાતું રહે છે. જેની આપણે ત્યાં ઊણપ વર્તાય છે તે અભિગમની. પ્રતિક્રમણ કે આવશ્યક તરફનો યથાયોગ્ય અભિગમ આપણે ચૂકી ગયા છીએ અને તે પ્રસ્થાપિત કરવા માટે આવશ્યક ઉપર આપણે ચિંતન કર્યું છે.