________________
પંચાચાર-સાધનાનું પ્રથમ ચરણ ચારિત્ર એટલે ઘટના. પહેલાં દર્શન ઊતરે પછી જ્ઞાન થાય અને ત્યાર પછી ચારિત્રની ઘટના ઘટે.
ભગવાન મહાવીર ત્રણ વાતો ખાસ કરે છે. કર્મના મૂળ સ્રોતને. રોકો, ભરાયેલા વ્યર્થને – કર્મને ઉલેચી નાખો અને છતાંય જે કંઈ બાકી રહે તેને તપાવો. જેથી બધું બળીને ખાખ થઈ જાય અને પછી શુદ્ધ આત્માનું અસ્તિત્વ બની રહે. પંચાચાર એ ધર્મનું દ્વાર છે. પંચાચારમાં ત્રણ બાબતો ઉપર ખાસ ભાર મુકાયો છે : વિવેક - અપ્રમાદ અને યતના. આ ત્રણેય બાબતોનું ધ્યાન રાખો. પંચાચારનું પાલન કરનાર જીવ મોડા વહેલાં પણ સિદ્ધિને પ્રાપ્ત કરી લેવાનો. મોક્ષ-સિદ્ધિ એ આત્યંતિક ઘટના છે જે મહાન તૈયારી માગી લે છે. પંચાચાર એ એવી પગથી છે જે છેક નીચેથી શરૂ થાય છે પણ જાય છે છેક ઉપર સુધી. જૈન ધર્મમાં પંચાચાર પ્રત્યેક ક્રિયા સાથે એક કે બીજી રીતે જોડવામાં આવેલો છે. પણ તે એટલો સરળ અને સુલભ છે કે ઘણી વાર આપણે તેના મર્મને ચૂકી જઈએ છીએ અને તેનું મૂલ્ય ઓછું આંકીએ છીએ. આપણને આપણા ધર્મપાલન માટે ગમે એટલો ગર્વ હોય પણ વાસ્તવિકતામાં તે ધર્મની શરૂઆતથી કંઈ વિશેષ નથી, માટે થોડાક અપવાદ સિવાય સૌ જીવો માટે પંચાચાર એ જ સબળ સાધન છે.