________________
૫૬
જૈન આચાર મીમાંસા જ છલંગામાં આ વાત સિદ્ધ થતી નથી. તેથી તેનો અભ્યાસ - મહાવરો વધારતા જવાનો આદેશ - ઉપદેશ અપાય છે. અભ્યાસ વધતાં પછી એવી અવસ્થાનું નિર્માણ થશે કે ત્યાં પછી મન કોઈ પ્રકંપન નહીં ઝીલે. વાણી મૌન થઈ જશે અને શરીર અડોલ બની રહેશે. પ્રકંપનોનો માર્ગ બંધ થઈ જતાં ચેતના નિષ્કપ જ્યોતિની જેમ ઝળહળી ઊઠશે અને કૃતકૃત્ય થઈ જશે. આ છે સામાયિક.
ચતુર્વિશતિ સ્તવ :
આવશ્યકીમાં સામાયિક પછી બીજે સ્થાને ચતુર્વિશતિ સ્તવ આવે છે. સામાયિકમાં સમભાવ પ્રાપ્ત થતાં સહજ રીતે સમભાવમાં સ્થિત મહાત્માઓનો વિચાર આવે જેમણે સમભાવનો આ માર્ગ પ્રસ્થાપિત કર્યો કે બતાવ્યો. આમ વિચાર થતાં તેમના ગુણોનો વિચાર આવે અને પછી તેની પ્રશંસા કર્યા વિના રહી શકાય નહીં. ચતુર્વિશતિ સ્તવનો ઉદેશ આમ તો ગુણાનુરાગ દ્વારા ગુણપ્રાપ્તિનો છે. જેમણે તીર્થ સ્થાપ્યું એવા ચોવીસ તીર્થકરોનું એમાં નામસ્મરણ કરવામાં આવે છે. નામસ્મરણ કરતી વખતે જો તીર્થકરોના ગુણ તરફ ધ્યાન ન હોય તો નામસ્મરણ નિરર્થક નીવડે છે. ગુણ છે માટે નામસ્મરણ થાય છે. ચતુર્વિશતિ સ્તવમાં સામાન્ય રીતે લોગસ્સ” સૂત્ર બોલવામાં આવે છે. લોગસ્સ એ ખૂબ અર્થગંભીર સૂત્ર છે એટલું જ નહીં પણ તેના શબ્દોની રચના મંત્રાત્મક છે. જેનું ટણ મનુષ્યને અનેક રીતે ઉપકારક નીવડે તેમ છે. લોગસ્સનું મનન-ચિંતન અને ભાવપૂર્વક રટણ કરવામાં આવે તો તે સમ્યક્રવને વિશુદ્ધ કરવામાં ખૂબ સહાયક બને છે.