________________
છ આવશ્યક - આચારસંહિતા
અર્થજ્ઞાન અને ભાવોલ્લાસ સહિત કરવું જોઈએ.
છેલ્લે લોગસ્સ સૂત્રના છંદની વાત પણ કરી લઈએ. પહેલી ગાથાનો છંદ સિલોગ છે જેના અનેક ભેદ છે અને તે સાંભળવામાં ખૂબ મધુર છંદ છે. સૂત્રની બીજીથી સાતમી ગાથાઓનો છંદ ગાહા છે. ગાહા પ્રાકૃત છંદ છે. તે અતિપ્રાચીન છંદ છે. જૈન આગમોમાં તથા અન્ય સૂત્રોમાં તે વિપુલ પ્રમાણમાં વપરાય છે. કારણ કે અધ્યાત્મમાં તે ખૂબ પવિત્ર ગણાયેલો છે. ગાહા છંદના ઉચ્ચારણ માટે છંદશાસ્ત્રીઓનું એવું સૂચન છે કે પહેલું પદ હંસની ગતિએ ધીમેથી બોલવું, બીજું પદ સિંહની ગર્જનાની પેઠે ઊંચેથી બોલવું, ત્રીજું પદ ગજગતિએ લલિતપણે ઉચ્ચારવું અને ચોથું પદ સર્પની ગતિએ ડોલતા ડોલતાં બોલવું કે ગાવું. આની પાછળ ધ્વનિનું વિજ્ઞાન છે જે વિષય અત્રે અપ્રસ્તુત છે. પણ એટલું ચોક્કસ કે વિધિસર બોલાયેલું લોગસ્સ સૂત્ર ઘણું અસરકારક નીવડે છે. કારણ કે તેનાથી ધ્વનિના જે તરંગો પેદા થાય છે તેમની તરંગલંબાઈ નાનીમોટી રહે છે. અને તેની અસરો આપણા માનસતંત્ર તો શું પણ કર્મશરીર સુધી પહોંચે છે.
આમ લોગસ્સ સૂત્ર ખૂબ પ્રભાવશાળી છે. તેમાં મુખ્યતયા અરિહંત પરમાત્માઓનું નામસ્મરણ છે અને તેમની બહુમાનપૂર્વક કરાયેલી પ્રાર્થના છે. પણ નામસ્મરણમાં જ્યારે આત્માનો ઉપયોગ ભળે ત્યારે તેની તાકાત અસીમ થઈ જાય છે. આવા સરળ છતાંય શકિતશાળી લોગસ્સ સૂત્રને આવશ્યકમાં સ્થાન મળે તે તદ્દન સ્વાભાવિક છે.