________________
છ આવશ્યક
આચારસંહિતા
રાગાદિ રહિત હોવાથી પ્રસન્ન થતા નથી તોપણ તેમના અચિંત્ય પ્રભાવને લીધે તેમને ઉદ્દેશીને અંતઃકરણથી વિશુદ્ધ મને કરેલી સ્તુતિ ઇષ્ટ ફળને આપે છે. લોગસ્સ સૂત્રની રચના ગણધર ભગવંતોએ કરેલી છે. તેઓ સકળ વિદ્યાઓ, મંત્ર અને તંત્રના જાણકાર હોય છે. તેથી તેમની કૃતિમાં અનેક ગંભીર રહસ્યો ગૂંથાયેલાં છે. એક બાજુ તીર્થંકરોની સ્તુતિ થતી હોય છે અને બીજી બાજુ અનેક વિદ્યાઓની સિદ્ધિ થતી હોય છે. મંત્રબીજો સહિત રચાયેલા “કિત્તીય વંદીય મહિયા.....'' એ ગાથાનું નિરંતર સ્મરણ કરનાર સમાધિ મરણને પામી શકે છે એ વાત જૈન જગતમાં પ્રસિદ્ધ છે. શ્રુતકેવળી ભગવંતોએ રચેલ સૂત્રો સાચાં રત્નોની જેમ સ્વભાવથી જ સુંદર અને સર્વહેતુ સિદ્ધ કરનારાં છે. તોપણ તેના ઉપર અંતરંગ શ્રદ્ધા થવા માટે તેના અર્થો અને રહસ્યનું જ્ઞાન, તેનો પ્રભાવ અને તેના માહાત્મ્યનો પરિચય જરૂરી છે.
ઘણી વાર કેટલાક લોકોને શંકા થાય છે કે તીર્થંકરો પોતે તો કોઈ કૃપા કરતા નથી કે અનુગ્રહ કરતા નથી તો પછી તેમના નામસ્મરણથી રિદ્ધિ-સિદ્ધિ મળે એ વાત કેમ મનાય? વિચાર કરીશું તો લાગશે કે આ વાત બરોબર નથી, કારણ કે તીર્થંકરો સ્વયં `સહાય ન કરે પણ તેમના નામ-સ્મરણથી સહાય થાય ખરી. વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે મહાન નેતા કે અધિકારીની પાસે રહેલા માણસને પણ વગર કહ્યે કેટલાય આનુષંગિક લાભ મળે છે. જ્યારે આ તો તીર્થંકરોની વાત છે, જે લોકોત્તર છે. અંતઃકરણપૂર્વક ચાર નિક્ષેપાઓ સહિત કરેલી સ્તુતિથી કર્મોની જે નિર્જરા થાય છે અને કર્મોમાં જે ફેરફારો થાય છે –
૬૯