________________
૬૫
છ આવશ્યક - આચારસંહિતા ગુણાનુરાગથી કાળે કરીને જે - તે ગુણોનું જીવમાં યથા-તથા સંક્રમણ થયા વિના રહેતું નથી. જીવ પોતાની મેળે ભાગ્યે જ ભગવદ્યાના ગુણો પ્રાપ્ત કરી શકે છે. ભગવદ્ગણોની પ્રાપ્તિ માટે તેને આધાર લેવો જ પડે છે અને તે માટે અરિહંત પરમાત્માઓના નામસ્મરણ જેવું પુષ્ટ આલંબન જીવને આટલી સરળતાથી બીજે ક્યાંય મળે તેમ નથી.
સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણ આત્માના સ્વાભાવિક ગુણો છે જે અરિહંત પરમાત્મામાં પૂર્ણપણે વિકસિત છે. તેથી તેમને ભાવવંદન થતાં જીવમાં પણ તે ગુણોનો વિકાસ થવા લાગે છે, અને જ્યાં સુધી જીવ સંપૂર્ણતયા મુક્ત ન થાય ત્યાં સુધી આ ગુણોનો તેનામાં વિકાસ થતો રહે એ ખૂબ આવશ્યક છે. જે ભાવવંદન વિના શક્ય નથી. ભાવવંદન માટે તીર્થકરોના નામનું સ્મરણ, નામસ્મરણનાં સૂત્રોની અર્થથી વિચારણા અને આરાધ્ય અરિહંત પરમાત્માના ગુણોનો રાગ તેમજ તેમના પ્રત્યે બહુમાન જરૂરી છે. તદુપરાંત ભાવવંદન કરતાં હૃદયમાં આનંદની લાગણી પ્રગટવી જોઈએ અને મનમાં ભવભ્રમણનો ખેદ હોવો જોઈએ. આ પ્રમાણે શુદ્ધ ભાવવંદન થાય તો જીવનો ઘણો મોટો સંસાર કપાઈ જાય. આમ સરળ અને સાદી લાગતી અરિહંતના નામસ્મરણની ક્રિયાની પાછળ અનર્ગળ શક્તિનો સ્ત્રોત છુપાયેલો છે – જેનાથી આપણે અપરિચિત રહી ગયા છીએ.