________________
પંચાચાર-સાધનાનું પ્રથમ ચરણ
૩૫
પંચાચાર :
આપણે પંચાચાર વિશેની તાત્વિક ચર્ચા કરી તેનું હાર્દ સમજવા પ્રયાસ કર્યો પણ જીવોની ભદ્રિકતા અને સરળતા લક્ષમાં રાખીને આપણે ત્યાં વ્યવહારથી જે વિધિ-વિધાનોનું આયોજન કરવામાં આવ્યું છે તે સહેજેય ઓછા મહત્ત્વનું નથી. જેમ કે :
દર્શનાચારમાં વીતરાગની પ્રતિમાનાં દર્શન, વંદન, પૂજન ઇત્યાદિ કરવાનું ખાસ વિધાન છે કારણ કે વીતરાગનાં દર્શનથી સમ્યમ્ દર્શનની પ્રાપ્તિ થાય છે. દર્શનાચારમાં જિનવાણીમાં પૂર્ણ શ્રદ્ધા રાખવાનો અને તેનો આદર કરવાની ખાસ વાત આવે છે. વળી અપેક્ષા વિના ધર્મનાં અનુષ્ઠાનો સેવવાની અને સાધુ ભગવંતોની વૈયાવચ કરવાની તેમજ સાધર્મિક ભકિતની પણ ખાસ ભલામણ કરવામાં આવે છે. કાઉસ્સગ્ગ અને મંત્રજાપ પણ દર્શનપ્રાપ્તિનું કારણ ગણાય છે. '
જ્ઞાનાચારમાં કાળ ઇત્યાદિ આઠ જ્ઞાનાચારને સાચવીને ભણવું, ભણાવવું, પુસ્તકો લખવાં – લખાવવાં, જ્ઞાન અને જ્ઞાનીનો વિનય સાચવવો, તેમનું બહુમાન કરવું, જ્ઞાનપ્રાપ્તિ નિમિત્તે રોજ કાઉસ્સગ્ગ, મંત્રજાપ, ધર્મનાં અનુષ્ઠાનો, સૂત્રોનો પાઠ કરવો, અને ભાવ સહિત સૂત્રોના અર્થ કરવા ઇત્યાદિનો સમાવેશ થાય છે.
ચારિત્રાચારમાં પાંચ પ્રકારે સમિતિ તથા ત્રણ પ્રકારે ગુપ્તિનું પાલન કરવું, સામાયિક, પૌષધ, ઉપધાન આદિ કરવાં તેમજ મન, વચન, અને કાયાના યોગોને બને એટલા શુભમાં પ્રવર્તાવવા, સહનશક્તિ, ગંભીરતા વગેરે ગુણોને કેળવવા ઇત્યાદિ સુક્ષ્મ વાતો આવે છે. •