________________
જૈન આચાર મીમાંસા પોતાના પુરુષાર્થથી – ઉત્સાહથી વીર્ય ફોરવીને કરવાનો છે.
ધર્મથી કર્મ તૂટે પણ કર્મથી ધર્મ ન તૂટે. ધર્મ આચરવામાં કર્મને આગળ ન કરાય અને જો એમ કરીએ તો આત્મા ક્યારેય પોતાનો અભ્યદય ન કરી શકે. કર્મ તોડવા માટે, આત્માના ઉત્થાન માટે ધર્મ પૂર્વશરત છે. ધર્મ એટલે પંચાચારનું પાલન - પરિશીલન અને વીર્યાચાર તો બાકીના ચારેય આચારોમાં મુખ્ય છે. વીર્યાચાર વિના તો કોઈ આચાર ન થઈ શકે. વીર્યાચાર માટે બીજી પણ એક મહત્ત્વની વાત છે કે જેમ જેમ આત્મા ઉત્સાહ રાખી, ધર્મક્રિયાઓ અને ધર્મના ભાવમાં રત થતો જાય તેમ તેમ તેની આડેના અવરોધો તૂટતા જાય અને આગળનો માર્ગ સાફ થતો જાય. વીર્ય ફોરવવાથી જ વીર્યંતર કર્મ તૂટે.
ગમે તેવો લાંબો અને વિકટ માર્ગ હોય પણ ધીમેથી ચાલનાર પણ એક વખત વિશ્વાસથી તેના ઉપર ચાલવા માંડે તો તે ટૂંકો થતો જાય. આ જ વાત વીર્યાચારની છે. જે જીવ આત્માનું વીર્ય ફોરવવા માડે તેનું વીતરાય કર્મ તૂટવા માંડે અને તેનામાં વધારે ઓજસ પ્રગટ થતું જાય. કર્મ એ છેવટે તો જડની શકિત છે. જ્યારે આત્મા એ તો ચૈતન્ય શકિત છે. જડશક્તિ બળવાન છે પણ આત્મશકિત બળવત્તર છે – વધારે પ્રબળ છે. પૂર્વશરત એટલી છે કે આત્માએ જાગૃત રહી સતત વીર્ય ફોરવતા જ રહેવાનું છે - ઉત્સાહથી, પુરુષાર્થથી આધ્યાત્મિક માર્ગ ઉપર આગળ વધતા જ રહેવાનું છે. આ છે વીર્યાચારનું મહત્ત્વ.