________________
૩૨
જૈન આચાર મીમાંસા પોતાની અનંત સંપદાનો આવિર્ભાવ થાય છે. આત્મા, પરમાત્મદશાને પ્રાપ્ત કરે છે. ત્યારે તેનામાં અનંત ચતુષ્ટયીનો આવિષ્કાર થાય છે. વીર્ય એ આત્માનો ગુણ છે જે બહારથી મેળવવાનો નથી હોતો. આત્માની અંદર એ ગુણ રહેલો છે. તેને આત્માના પ્રયાસથી બહાર લાવવાનો છે – સક્રિય કરવાનો છે. સુખ-સંપત્તિ-સંતતિ એ બધું કર્મજન્ય છે, પણ વીર્ય ફોરવવા માટે આત્મબળ કામમાં આવે. આ કાર્ય આત્મા પોતે જ, આત્મા દ્વારા કરે છે પણ તેમાં તેને સહાય કરનાર બાહ્ય ઉપકરણો છે – મન, વચન અને કાયાના યોગો.
જે લોકો જૈન ધર્મના હાર્દને પૂર્ણ રીતે નથી સમજતા હોતા તે લોકો ઘણી વાર જૈન ધર્મને અકર્મવાદી, રુણ મનોદશાવાળો ગણી લે છે. જે ધર્મમાં “વીર્યાચાર” ને અલગ પાડી એને વિષે આટલું ગહન ચિંતન કરવામાં આવ્યું છે તેને નિષ્ક્રિયતાવાદી કેમ કહેવાય? જૈન ધર્મ તો પુરુષાર્થપ્રધાન છે. તે કોઈના અનુગ્રહમાં કે કૃપામાં માનતો નથી. આત્માએ પોતાનો ઉદ્ધાર પોતાના જ બળથી કરવાનો છે. આ વાતને પ્રધાનપણે માનનાર વિચારસરણીને નિષ્ક્રિયતાવાદી કે રુણ કહેવામાં સમજણનો અભાવ વર્તાય છે. જૈન ધર્મે બાહ્ય પ્રવૃત્તિ અને અધ્યાત્મ પ્રવૃત્તિ બંનેનો તફાવત સ્પષ્ટ રીતે સમજાવ્યો છે. અને આત્માની અનંત શક્તિના આવિર્ભાવ માટેની પ્રવૃત્તિને જ સમ્યક્ પ્રવૃત્તિ ગણી છે.
તેથી જગત જેને પ્રવૃત્તિ ગણી મૂલ્યાંકન કરે છે તેનું જૈન ધર્મમાં ઝાઝું મૂલ્ય નથી. જૈન ધર્મના મત પ્રમાણે તે બાહ્યાચારથી કંઈ વિશિષ્ટ નથી. આધ્યાત્મિક પ્રવૃત્તિ આંતરિક પ્રવૃત્તિ છે, જે ઘણી