________________
૧૨.
જૈન આચાર મીમાંસા
સમ્યગ્ જ્ઞાનના ઘૂંટડે ઘૂંટડે જીવની પ્યાસ તૃષા ઘટતી જાય છે: જેણ તાં વિબુજ્જેજ્જ, જેણ ચિત્તે ણસ દિ જેણ અત્તા વિસુજઝેજ, તેં નાણું જિણ સાસણે. જેનાથી તત્ત્વનું જ્ઞાન થાય છે, ચિત્તનો નિરોધ થાય છે તથા આત્મા વિશુદ્ધ થાય છે તેને જ જિનશાસન જ્ઞાન કહે છે.
આવા જ્ઞાનનું પરિશીલન એટલે જ્ઞાનાચાર. આપણા વાંચનથી, શ્રવણથી, ચિંતનથી આપણને આવું કંઈ મળતું હોય - આપણો આત્મા વિશુદ્ધ થતો હોય તો માનવું કે આપણે જ્ઞાનાચારનું પરિશીલન કરીએ છીએ. બાકી તો આપણે માહિતીથી વિશેષ કંઈ પ્રાપ્ત કરતા નથી. માહિતી મનોરંજન પૂરું પાડે આ લોકમાં કીર્તિ પણ આપે, સંપત્તિ પણ આપે પણ તે ઉન્નતિના શિખરે ન લઈ જાય. આ પ્રકારનું જ્ઞાન જેને મિથ્યાજ્ઞાન કહે છે તે ભવભ્રમણ વધારી મૂકે, માટે શ્રાવક તો કંઈ પણ માહિતી મેળવતાં પહેલાં વિચારે કે હું ક્યાં પગલું મૂકું છું? આ પગલું ઉપર લઈ જશે કે ભટકાવનારું નીવડશે!
ટૂંકમાં જે જ્ઞાન, વસ્તુને તેના સાચા સ્વરૂપમાં દેખાડે તે જ્ઞાન. જ્ઞાનાચારમાં મનથી કંઈ આરોપિત ન થાય. વસ્તુ સાથે પોતાના રાગ-દ્વેષ ન જોડાય. જૈન શાસનમાં પોતાનું કંઈ જોડવાની વાત નથી. પણ વસ્તુના તથ્યના સ્વરૂપને ઉઘાડવાની વાત છે. જે જ્ઞાન કે માહિતી તથ્યને વિકૃત કરે, જેની સાથે આપણા પોતાના રાગ કે દ્વેષ જોડાઈ ગયા હોય તે સાચા અર્થમાં જ્ઞાન નથી. આવા જ્ઞાનથી ઊલટાના આપણે સાવધ રહેવાનું છે. જ્ઞાનાચાર માર્ગ બતાવનાર છે, ભટકાવનાર નથી.