________________
જૈન આયાર મીમાંસા તો વ્યર્થથી બને એટલા દૂર રહો. આ છે ચારિત્રનો સાર. બાકી છે તેનો વિસ્તાર, જે જાણ્યા વિના – સાચવ્યા વિના ચારિત્રાચારમાં ન અવાય.
સ્વભાવિક છે આવા ચારિત્રના પાલનમાં નિષેધ કે નિયંત્રણ આવે કારણ કે તેમાં વ્યર્થને રોકવાનું છે અને કાઢવાનું છે. ચારિત્રમાં સૌ પહેલાં તો વાસનાઓનો નિરોધ થાય છે. સંસારનો નિષેધ થાય છે. પણ જીવ પોતાની ક્ષમતા અનુસાર આગળ વધી શકે અને હતાશ ન થઈ જાય તે માટે જૈન ધર્માચાર્યોએ એવી તો તબક્કાવાર વ્યવસ્થા ગોઠવી છે કે જીવ ધીમે ધીમે પણ આગળ વધી શકે. પૂર્વશરત એટલી છે કે ચારિત્ર પાળવાનું મન હોવું જોઈએ. તે માટેનો ભાવ હોવો જોઈએ. ,
જૈન ધર્મમાં દરેક ક્રિયાનો બે રીતે વિચાર કરવામાં આવ્યો છે. જે ક્રિયામાં ફક્ત બાહ્યાચાર સચવાય તેને દ્રવ્યક્રિયા કહે છે અને જે ક્રિયામાં ભાવ સચવાય તેને ભાવક્રિયા કહે છે. જૈન ધર્મે દ્રવ્યક્રિયાને મહત્ત્વની તો ગણી જ છે. પણ ભાવક્રિયાને વધારે પ્રધાનતા આપી છે. સાધુ થવા માટે દીક્ષા લેવી, ઉપાશ્રયમાં નિવાસ કરવો, સાધુનાં વસ્ત્રો પહેરવાં અને સાધુનાં ઉપકરણો સાથે જીવનનો વ્યવહાર સાચવવો તે દ્રવ્ય ચારિત્ર ગણાય છે. પણ ચારિત્ર માટેનો અંતરનો ભાવ તે જ ભાવ ચારિત્ર છે. શ્રાવક ઘણી વાર દ્રવ્ય ચારિત્ર ગ્રહણ ન કરી શકતો હોય તો ચારિત્રનો ભાવ રાખે એ પણ ઘણું મહત્ત્વનું છે. દ્રવ્યથી ચારિત્ર ન લઈએ અને ભાવ ચારિત્રની વાતો કરી આત્મવંચના કરતા રહીએ એ તેનું મોટું ભયસ્થાન છે. વળી દ્રવ્યથી ચારિત્ર લેવાની જરૂર જ નથી. એવા આચારોનું