________________
-
૨૫
પંચાચાર-સાધનાનું પ્રથમ ચરણ સૂક્ષ્મ શરીર ઉપર પડે છે. એનાથી વૃત્તિઓ નિર્મળ થવા લાગે છે. આવેગોનું શમન થાય છે. આહારના અભાવમાં કે અલ્પ આહારમાં શરીરને ઉત્તેજના મળતી નથી. એટલે ઇન્દ્રિયોનાં તોફાનો શાંત થઈ જાય છે. વૃત્તિ-સંક્ષેપમાં મનને વિષયોમાંથી પાછું વાળવાની વાત છે. જ્યારે રસત્યાગમાં વિષયોને શરીરથી દૂર રાખવાની વાત છે. કાયકલેશનો અર્થ સમજવા જેવો છે. એમાં બે વાત છે. જે કંઈ આવી પડે તે સંજોગોને સહિષ્ણુતાથી સહી લેવા. ગરમી હોય, શરદી હોય, રોગ હોય - ગમે તે આવી પડે તેને શાંતિથી સહી લેવું એ તપ છે.
વળી કાયકલેશમાં બીજી પણ એક મહત્ત્વની વાત છે. શરીરમાં જે મર્મસ્થાનો છે તે ઘણી વાર સુષુપ્ત હોય છે તેને આસન - વંદન ઇત્યાદિ ક્રિયાઓથી જાગૃત કરવાની વાત પણ તેમાં રહેલી છે. આસન - પ્રાણાયામ વગેરેથી શરીરની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ સક્રિય થાય છે. અને તેમાંથી રસ (હોર્મોન્સ) યોગ્ય પ્રમાણમાં કરે છે અને લોહી સાથે ભળી જાય છે. પરિણામે શરીર ચેતનવંતુ બને છે. આમ કાયલેશમાં શરીરને ખાલી કષ્ટ આપવાની વાત નથી પણ સહિષ્ણુતાની અને ચેતનાના ઉઘાડની વાત છે. પ્રતિસંલીનતા બાહ્ય તપમાં છેલ્લું છે. ઘણી જગ્યાએ “સંલીનતા’ શબ્દનો પણ તેના માટે ઉપચાર થયેલો જોવા મળે છે. મૂળ વાત એક છે પણ તેને કયા છેડેથી પકડી છે તેના ઉપર શબ્દના પ્રયોજન આધાર રહેલો છે. પ્રતિસંલીનતા બાહ્ય તપમાં છેલ્લું છે તે પણ સહેતુક છે. પ્રતિસલીનામાં ચિત્તના બહારના વ્યાપારોને સંકેલીને અંદર ઊતરવાની વાત છે. આમ તે અત્યંતર તપ માટેનું પ્રવેશદ્વાર છે.