________________
પંચાચાર-સાધનાનું પ્રથમ ચરણ
દર્શન પણ વીતરાગની વાણીની યાદ આપે છે. વીતરણનો ધર્મ વીતરાગ પરંમાત્માની પ્રતિમાનાં દર્શન સેવા-પૂજન-વંદનસ્તવન ઇત્યાદિને કારણે જાગતો રહે છે; પણ જો આ દર્શન કરતી વખતે તીર્થંકર પરમાત્માના ગુણોનો ખ્યાલ ન રહે. તેમણે દર્શાવેલ માર્ગનો વિચાર ન આવે, તેના વિષે બહુમાન ન થાય તો આપણાં દર્શન કોરાં રહી જાય અને તેનાથી કંઈ ઝાઝું ન મળે.
દર્શનને પ્રથમ આચાર ગણવામાં આવે છે. જે આપણને ખરેખર દર્શન કરતાં આવડી જાય તો આગળનો માર્ગ સ્પષ્ટ થતો જાય. તેથી તો જૈનાચાર્યોએ દર્શનનાં વિધિ-વિધાનનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. દર્શન-સેવા-વંદન ઇત્યાદિ માટે જે વિધિ દર્શાવવામાં આવી છે તે પણ ખૂબ ધ્યાન રાખવા જેવી છે. કોરી ક્રિયા અને વિધિ સહિતની ક્રિયા બંનેના પરિણામ વચ્ચે ઘણો ફેર પડી જાય છે. ભાવ વિના કરાતાં ઔપચારિક દર્શનમાં મોટે ભાગે કાયાને કષ્ટ આપવાથી થતી કર્મની નિર્જરા જેટલો લાભ થાય પણ તેની પાછળ રહેલા મોટા લાભથી આપણે વંચિત રહી જઈએ છીએ.
દેરાસરમાં જઈને આપણે જે પ્રતિમાને હાથ જોડીએ છીએ, નીરખીએ છીએ, વંદન કરીએ છીએ તે જો આપણા આકાંક્ષાઓની પ્રતિમા ન હોય તો દર્શન-વંદનની એ સમસ્ત ક્રિયા પ્રાણવિહીન છે. આપણે જેનાં દર્શન કરીએ છીએ તેનો અંતે આપણે સાક્ષાત્કાર
કરવાનો છે. એ ભાવ મનમાં સ્થપાયેલો હોવો જોઈએ. દેવ-દર્શન સાથે એ વાતનું સ્મરણ રહેવું જ જોઈએ કે તીર્થંકરનું જે ઐશ્વર્ય છે તેવું જ ઐશ્વર્ય આપણી પાસે છે પણ આપણે તે પ્રગટ કરી શકતા નથી. એ ઐશ્વર્યને પ્રગટ કરવા તીર્થંકર પરમાત્માએ શું કર્યું હતું.