________________
૧૦
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર / બ્લોક-૬૦
નમસ્કારનું ઉચ્ચારણ થઈ ન શકે. માટે નિદ્રાના ત્યાગકાળમાં પણ સ્પષ્ટ ઉચ્ચારણપૂર્વક નમસ્કાર ગણવો જોઈએ; કેમ કે સ્પષ્ટ ઉચ્ચારણપૂર્વક બોલવાથી તે પ્રકારના ભાવો ઉલ્લસિત થાય છે. અને શરીરની સૂતેલી અવસ્થા, બેઠેલી અવસ્થા કે અન્ય કોઈ પણ અવસ્થા હોય તે અવસ્થામાં નવકારનું સ્મરણ કરવામાં કોઈ બાધ નથી. આથી કોઈક રીતે દરિયામાં પડતા પણ ઉત્તમપુરુષો નવકારનું સ્મરણ કરે છે. વળી, “શ્રાદ્ધદિનકૃત્યમાં આ પ્રમાણે કહેવાયું છે. શયાસ્થાનને મૂકીને જમીન ઉપર બેસવું જોઈએ. ત્યાર પછી ભાવબંધુ જગતના નાથ એવા નમસ્કારનો જાપ કરવો જોઈએ. તેથી “શ્રાદ્ધવિધિ’ વચનાનુસાર પથારીમાંથી ઊઠીને ઉચિત સ્થાને બેસવું જોઈએ. અને ત્યાર પછી આત્મા માટે ભાવથી બંધુ એવા નમસ્કારને ગણવો જોઈએ; કેમ કે જેમ બંધુ સદા આપત્તિમાં ઉપકારક બને છે તેમ સંસારી જીવો કર્મને પરવશ હોવાથી ભાવ આપત્તિમાં છે. તે ભાવ આપત્તિકાળમાં બંધુની જેમ નમસ્કાર આત્માનું હિત કરનાર છે. તેથી નમસ્કારના પારમાર્થિક સ્વરૂપના બોધપૂર્વક જેઓ તેનું સ્મરણ કરે છે તેના માટે નમસ્કાર ભાવબંધુ છે. વળી આ નમસ્કાર જગતનો નાથ છે; કેમ કે જેમ નાથ શરણાગતને ઉપદ્રવમાંથી રક્ષણ કરે છે અને સુખપૂર્વક જીવી શકે તે પ્રકારે તેની ચિંતા કરે છે તેમ જેઓ પંચપરમેષ્ઠિના સ્વરૂપથી વાસિત થઈને નવકાર ગણે છે તેથી સ્મરણ કરાયેલો નમસ્કાર સંસારમાં થતા સર્વ ઉપદ્રવોથી આત્માનું રક્ષણ કરે છે. ચિત્તને સ્વસ્થતા આપાદાન કરે છે. અને તેવા જીવો સંસારમાં જ્યાં સુધી છે ત્યાં સુધી સદ્ગતિની પ્રાપ્તિ દ્વારા સુખપૂર્વક જીવી શકે છે.
વળી, યતિદિનચર્યામાં આ પ્રમાણે કહ્યું છે. રાત્રિના છેલ્લા પ્રહરમાં બાલ, વૃદ્ધ સર્વએ જાગવું જોઈએ અને પરમમંત્રરૂપ પંચપરમેષ્ઠિને સાત-આઠ વાર ગણવો જોઈએ. તેથી તે વચનાનુસાર સવારમાં સાતથી આઠ નવકાર અવશ્ય ગણવા જોઈએ અને આ નમસ્કાર પરમમંત્ર છે; કેમ કે ભાવ આરોગ્યને કરનાર છે. અર્થાત્ ભાવરોગરૂપ મોહનો નાશ કરનાર છે. તે પ્રકારે સ્મૃતિમાં લાવીને અત્યંત ઉપયોગપૂર્વક સાત-આઠ નવકાર બોલવા જોઈએ. આ રીતે સવારમાં નવકાર ગણવાના વિષયમાં જુદાં જુદાં શાસ્ત્રોના અભિપ્રાયો બતાવ્યા તે સર્વ પ્રમાણભૂત છે. તેથી તે વચનાનુસાર સવારમાં નવકાર બોલવામાં કોઈ બાધ નથી.
વળી, યોગશાસ્ત્રમાં નમસ્કારના પરાવર્તનની વિશિષ્ટ વિધિ બતાવી છે. તેથી જેની બુદ્ધિ કુશળ છે અને તે પ્રકારે નવકાર ગણવા સમર્થ છે તેને તે પ્રકારે નવકાર ગણવો જોઈએ. કઈ રીતે નવકાર ગણવો જોઈએ ? તે સ્પષ્ટ કરે છે –
હૃદયકમળમાં આઠ પત્રોના કમળનું ચિંતવન કરે. અને તેના મધ્યભાગમાં જે કર્ણિકા છે તેમાં “નમો અરિહંતાણં' એ પ્રકારના સાત અક્ષરોને બુદ્ધિથી સ્થાપન કરે અને તે પવિત્ર પદનું ચિંતવન કરે. ત્યાર પછી ચાર દિશામાં યથાક્રમ “નમો સિદ્ધાણં' આદિ ચાર પદોને સ્થાપન કરે=જેમ “નમો અરિહંતાણં' પદના અક્ષરોનું સ્થાપન કર્યું તેમ “નમો સિદ્ધાણં' આદિ પદોના અક્ષરોનું સ્થાપન કરે અને ચાર વિદિશાના પત્રોમાં છેલ્લાં ચાર પદોનું ચિંતવન કરે. આ પ્રકારે ચિંતવન કરતાં વિશુદ્ધિપૂર્વક ૧૦૮ નવકાર ગણવાથી મુનિને એક ઉપવાસનું ફળ મળે છે. અર્થાત્ એક ઉપવાસ કરી જે નિર્જરા મુનિ પ્રાપ્ત કરી શકે છે તે નિર્જરા ત્રણ ગુપ્તિવાળા મુનિ એકસો આઠ નવકારના જાપથી પ્રાપ્ત કરે છે.