________________
૧૮૦
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૧ વળી આ શ્રુતધર્મ દેવો-દાનવો અને નરેન્દ્રોના સમૂહથી પૂજાયેલો છે; કેમ કે બુદ્ધિમાન એવા દેવો શ્રુતધર્મના માહાત્મ્યને જાણનારા હોવાથી સદા સ્વશક્તિ અનુસાર શ્રુતધર્મને જાણવા યત્ન કરે છે. શ્રુતધર્મને જાણનારા મહાત્માઓની ભક્તિ કરે છે. તેથી પણ નક્કી થાય છે કે ઉત્તમપુરુષોથી સેવાયેલો આ શ્રુતધર્મ
માટે કલ્યાણનું કારણ છે. અને એવા શ્રુતધર્મના સામર્થ્યને જાણીને કોણ પ્રમાદ કરે ? અર્થાત્ બુદ્ધિહીન જીવો પ્રમાદ કરે. વિચા૨ક ક્યારેય પ્રમાદ કરે નહિ. આ પ્રકારે બોલીને શ્રાવક શ્રુતધર્મ પ્રત્યેના પોતાના રાગની વૃદ્ધિ કરે છે. સદા તેના માહાત્મ્યને હૈયામાં ધારણ કરે છે. અને તેનાથી ઉલ્લસિત થયેલા વીર્યવાળા થઈને શક્તિ અનુસાર શ્રુતને જાણવા માટે પ્રયત્ન કરે છે. જાણીને સ્થિર કરવા યત્ન કરે છે. અને શ્રુતધર્મને સ્થિર કરીને તેનાથી અત્યંત આત્માને વાસિત કરવા યત્ન કરે છે. આ પ્રકારના યત્નને ઉલ્લસિત કરવા માટે જ શ્રાવકો ચૈત્યવંદનમાં શ્રુતધર્મની સ્તુતિ કરીને શ્રુતધર્મથી બતાવાયેલી સર્વ ઉચિત પ્રવૃત્તિઓમાં અપ્રમાદની વૃદ્ધિ કરે છે.
વળી, આ શ્રુતધર્મ કેવો સર્વોત્તમ છે તે બતાવવાર્થે કહે છે. આ શ્રુતધર્માનુસાર જે પ્રવૃત્તિ કરવામાં આવે તેનું અવશ્ય ફળ મળે તે પ્રકારે સિદ્ધ છે. તેથી એ ફલિત થાય કે સંસારમાં વ્યાપાર કરવાથી ફળ મળે અને અનિપુણતા હોય તો ન મળે, પરંતુ સમ્યક્ રીતે સેવાયેલ શ્રુતધર્મ અવશ્ય આત્મામાં ગુણસંપત્તિ નિષ્પન્ન કરાવીને કલ્યાણની પરંપરાને કરનાર બને છે. તેથી શ્રુતધર્મ ફલના કારણરૂપે પ્રતિષ્ઠિત છે અને તેવા શ્રુતધર્મમાં પોતે યત્નવાળો થયેલો છે છતાં પોતાના યત્નને અતિશય ક૨વાર્થે શ્રાવક ‘મો’ શબ્દથી અતિશયવાળા મહાત્માને સંબોધન કરે છે અને કહે છે કે હે ભગવન ! તમે જુઓ. હું મારી શક્તિ અનુસાર શ્રુતધર્મમાં આટલા સમય સુધી પ્રયત્નવાળો છું. આ રીતે ઉત્તમપુરુષને સન્મુખ કરીને ફરી ભક્તિની વૃદ્ધિ અર્થે કહે છે કે તેવા જિનમતને હું નમસ્કાર કરું છું. આ રીતે નમસ્કાર કરીને પણ શ્રાવક શ્રુત પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ કરે છે. વળી, આ શ્રુતધર્મ કેવો શ્રેષ્ઠ છે ? તેથી કહે છે. જેઓના હૈયામાં આ શ્રુતધર્મ પરિણમન પામેલો છે. તેઓમાં હંમેશાં ચારિત્રની સમૃદ્ધિ થાય છે; કેમ કે ‘દશવૈકાલિક આગમ’માં કહ્યું છે કે ‘પ્રથમ જ્ઞાન’ પછી ‘દયા’ પ્રાપ્ત થાય છે. તેથી સમ્યજ્ઞાન હંમેશાં ચિત્તને પોતાના આત્મા પ્રત્યે દયાળુ બનાવે છે. અને જેને પોતાના આત્માની દયા હોય તે મહાત્મા પોતાના આત્માના અહિતની પરંપરા થાય તેવી પ્રવૃત્તિ કરે નહિ, પરંતુ સંદા ઉત્તમ ચારિત્રમાં યત્ન કરીને પોતાના આત્માનું કષાયોથી રક્ષણ કરે છે. માટે શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થવાથી સદા સંવરભાવની સમૃદ્ધિ થાય છે. જે સંવરભાવરૂપ ચારિત્ર, દેવતાદિથી પૂજાયેલું છે; કેમ કે ઉત્તમ શ્રુતને પામીને જે મહાત્માઓ ચારિત્રની પરિણતિવાળા થયા છે, તેઓ દેવતાઓથી પણ હંમેશાં પૂજાય છે. આ પ્રકારે સ્તુતિ કરવાથી શ્રાવકના ચિત્તમાં તે ઉત્તમ શ્રુત પ્રત્યે સતત પ્રવર્ધમાન ભક્તિ થાય છે. જેના બળથી હંમેશાં અપ્રમાદભાવપૂર્વક શ્રુતધર્મના રહસ્યને જાણવા યત્ન થાય છે. અને જાણીને તે શ્રુતધર્મને આત્મામાં સ્થિર કરવા શ્રાવકાદિ યત્ન કરે છે. જેથી સર્વ કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરે છે.
વળી આ જિનમત કેવો છે ? તે બતાવવા અર્થે કહે છે. જે જિનમતમાં સમ્યજ્ઞાન પ્રતિષ્ઠિત છે અર્થાત્ જેઓ જિનમતને સમ્યક્ જાણવા યત્ન કરે છે, તેઓને અવશ્ય સંસારના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય છે અને પોતાના આત્માના હિતનું જ્ઞાન થાય છે. વળી, આ જિનમતમાં આ જગત શેય સ્વરૂપ પ્રતિષ્ઠિત છે.