________________
૨૦૦
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧
પ્રાપ્ત થાઓ. ક્યાં સુધી ભવનિર્વેદાદિ સર્વ વસ્તુઓ મને પ્રાપ્ત થાઓ ? તેથી કહે છે. જ્યાં સુધી હું સંસારનો ક્ષય કરી મોક્ષ ન પામું ત્યાં સુધી આ સર્વ વસ્તુઓ મને અખંડ પ્રાપ્ત થાઓ. આ પ્રકારે ઉત્તમ અભિલાષા કરીને ભવનિર્વેદ આદિ ભાવોને અનુકૂળ એવું પોતાનું ચિત્ત શ્રાવક નિર્માણ કરે છે. નિર્માણ થયેલું ચિત્ત હોય તો અતિશયિત કરે છે. અને પુનઃ પુનઃ પ્રાર્થના કરીને તેને સ્થિર કરે છે. જેથી તે સ્થિર થયેલા ઉત્તમ સંસ્કારોને કારણે દરેક ભવોમાં સુખપૂર્વક ભવનિર્વેદાદિને પામીને ઉત્તમ પ્રકૃતિવાળો પોતાનો આત્મા બને છે અને સદ્ગુરુને પામીને તેમના વચનાનુસાર ઉચિત કૃત્યો કરીને સુખપૂર્વક સંસારસાગરથી તરી શકે.
સામાન્યથી કોઈપણ પદાર્થની ઇચ્છા કરીને ધર્મ કરવામાં આવે તો નિદાનદોષની પ્રાપ્તિ થાય. આથી કોઈ પદાર્થના અભિલાષ વગર કેવલ ભગવાન પ્રત્યેની ભક્તિથી જ ભગવાનની ભક્તિ કરવી જોઈએ. આમ છતાં ભગવાનની ભક્તિ કરીને જયવીયરાય સૂત્ર દ્વારા જે અભિલાષ કરાય છે તે નિદાનરૂપ નથી; કેમ કે વીતરાગતુલ્ય થવાને અનુકૂળ એવા ઉત્તમભાવોની માંગણી સ્વરૂપ છે. તેથી ભગવાનની ભક્તિ કરીને વીતરાગ થવાનું જે મુખ્ય પ્રયોજન છે, તેને સાધનારી જ પ્રસ્તુત માંગણીઓ છે. તેથી તે માંગણીઓ દ્વારા પણ શ્રાવક વીતરાગભાવને અનુકૂળ સદ્વર્યનો સંચય કરે છે. અને આ પ્રકારની માંગણી અપ્રમત્ત ગુણસ્થાનકની પ્રાપ્તિ પૂર્વના મહાત્માઓ કરે છે; કેમ કે ઉત્તમ અભિલાષના બળથી જ ઉત્તમ પ્રકૃતિઓ પ્રાપ્ત કરીને તેઓ અપ્રમાદભાવની વૃદ્ધિ કરી શકે છે અને અપ્રમત્ત ગુણસ્થાનકવાળા મહાત્માઓ સર્વથા પ્રમાદ રહિત વીતરાગ થવાના ઉદ્યમ દ્વારા સંસારનો ઉચ્છેદ કરનારા છે. તેથી તેઓ ભવનિર્વેદાદિના અભિલાષો કરીને બળસંચય કરવા યત્ન કરતા નથી, પરંતુ સર્વ યત્નથી ભવના ઉચ્છેદનો ઉદ્યમ કરે છે. I TI
અનુસંધાન : ધર્મસંગ્રહ ભાગ-૫